વડોદરા નજીક બે કાર વચ્ચે અકસ્માત, ૩નાં મોત
વડોદરા, વડોદરા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ૩ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અકસ્માતમાં મોતને ભેટનાર ૩ લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે.
બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના લોકો અંતિમક્રિયામાં માટે ગયા હતા. દરમિયાન પરત ઘરે ફરતી વખતે પરિવારની કારને અકસ્માત નડતા ૩ સભ્યોના કરૂણ મોત થયા હતા,
જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ટુંડાવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવને પગલે પોલીસે અકસ્માત? મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ટુંડાવ ગામમાં રહેતા રાબિયાબેન ડોડિયા (૫૦) અને ભીખીબેન ડોડિયા (૪૫) સહિત પરિવારના ૭ સભ્યો કારમાં વડું ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગામે આવ્યા હતા.
જાે કે, પરિવાર ત્યાંથી પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યો હતો, ત્યારે પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે અન્ય કાર ચાલકે ટક્કર મારતા તેમની કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં રાબિયાબેન, ભીખીબેન અને ડ્રાઈવર વિજયસિંહને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું.