નવરાત્રીમાં હથિયાર વેચવા આવેલા બે શખ્સોની ધરપકડ
અમદાવાદ, શહેરના ઝોન ૨ એલસીબીની ટીમે હથિયાર વેચવાના ઇરાદે આવેલા રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને શખ્સો પાસેથી ૨ હથિયાર અને ૨૧ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ થાય કે શું અમદાવાદ ક્રાઇમ કેપિટલ બનવા જઇ રહ્યું છે? ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે હથિયાર પણ પોલીસ માટે પડકાર પેદા કરી રહ્યા છે.
હાલમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨ અલગ-અલગ કેશ દાખલ કરી ત્રણ શખ્સોની હથિયાર સાથે ધરપકડ કરી હતી. જેમાંથી એક તો શાર્પસુટરો માટે હથિયારો સંતાડી રાખતો મનીષ સિંગની કુખ્યાત ગેગ સાથે સંડોવાયેલો હતો. ત્યારે ફરી એક વખત ઝોન ૨ ટીમે રાજસ્થાનથી હથિયાર લઇને વેચવાના ઇરાદે ફરતા બે શખ્સોની ધરપકડ કરી છે.
જેમની પાસેથી ૨ દેશી બનાવટ પીસ્ટલ અને ૨૧ નંગ કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. એક પછી એક પકડાઈ રહેલા હથિયાર પરથી લાગી રહ્યું છે કે, અમદાવાદમાં હથિયારોની લે વેચ માટેનું હબ બની રહ્યું છે. પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જાે કે હથીયાર વેચવા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવ્યા હોવાનું પોલીસને જાણવા મળતા ચોક્કસ બાતમી આધારે બંનેને પકડી પાડવામાં આવ્યા હતા.