મ્યુનિ. એસ્ટેટ વિભાગે દબાણો દુર કરી ૧૦૬૮ કરોડની રીઝર્વ જમીન પરત મેળવી
રી- ડેવલપમેન્ટ સમયે ૪૦ ટકા કપાત પૂર્ણ કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ટી.પી સ્કીમ મંજુર કરવામાં આવે તે સમયે જે તે પ્લોટના ક્ષેત્રફળમાંથી ૪૦ ટકા સુધીની કપાત કરવામાં આવે છે. સરકાર દ્વારા કપાત કરવામાં આવેલી જમીનનો ઉપયોગ પ્રજાકીય સુવિધા માટે થાય છે પરંતુ વહીવટીતંત્રની ઉદાસીનતાના કારણે રીઝર્વ જમીન પર દબાણ થાય છે
જેના કારણે વિકાસ રૂંધાય છે અને સ્થાનિક સ્વાયત સંસ્થા અબજાે રૂપિયાની જમીન પણ ગુમાવે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને દબાણો દુર કરી રીઝર્વ જમીનનો કબજાે પરત લેવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત માત્ર બે મહીનામાં જ રૂા.એક હજાર કરોડ કરતા વધુ કિંમતના પ્લોટ તંત્ર ને પરત મળ્યા છે. સરકારી ભુલના કારણે જે પ્લોટમાં ૪૦ ટકા કપાત લેવામાં આવી ન હોય તેવા પ્લોટમાં રી-ડેવલપમેન્ટ સમયે પૂર્ણ કપાત લેવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. ટાઉન પ્લાનીંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ જે રીઝર્વ પ્લોટ પર દબાણ થઈ ગયા છે તે પ્લોટના કબજા લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત માત્ર બે મહીનામાં જ ૧ર૯૭ર૧ ચો.મી. જમીન પરત મળી છે જેની બજાર કિંમત અંદાજે રૂા.૧૦૬૭.૩૮ કરોડ થાય છે.
મ્યુનિ. એસ્ટેટ ખાતા દ્વારા કુલ ર૮ પ્લોટ પરના દબાણ દુર કરવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૦ પ્લોટની ૬૮૦૩૪ ચો.મી રીઝર્વ જમીનનો કબજાે લેવામાં આવ્યો છે જેની બજાર કિંમત રૂા.૬૯૩.૯૦ કરોડ થાય છે. બોડકદેવ ટી.પી. સ્કીમ પ૦ ના એફ.પી. ૩૭૩ની ૧૮૯૩૧ ચો.મી. જમીન પરત લેવામાં આવી છે
જેનું બજાર મુલ્ય રૂા.ર૮૩.૯૬ કરોડ થા યછે મ્યુનિ. એસ્ટેટ ખાતા દ્વારા રીઝર્વ પ્લોટના દબાણ દુર કરવા અને કબજા પરત લેવાની ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
રાજય સરકાર દ્વારા જે તે સમયે ટી.પી. સ્ક્રીમ મંજુરી સમયે ૪૦ ટકા કરતા ઓછી કપાત લેવામાં આવી હોય તેવા પ્લોટની પુર્ણ કપાત રી-ડેવલપમેન્ટના સમયે લેવામાં આવશે. વાડજ તથા તેની આસપાસના વિસ્તારની અનેક સોસાયટીઓ દ્વારા રી- ડેવલપમેન્ટ માટે અરજી કરવામાં આવી છે.
આ પૈકી કેટલીક સોસાયટીના પ્લોટની કપાત ૪૦ ટકા કરતા ઓછી લેવામાં આવી છે તેથી આ તમામ સોસાયટીઓના રી- ડેવલપમેન્ટ સમયે બાકી કપાત લેવા માટે સરકાર તરફથી પત્ર લખવામાં આવ્યા છે. સરકારની સદ્ર નીતિનો અમલ રી- ડેવલપમેન્ટ સમયે કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતુ.