દરિયાઈ વિસ્તારોની સુરક્ષા સઘન કરવા કડક પગલાં લેવાશે

પ્રતિકાત્મક
ગાંધીનગર, થોડા દિવસ પહેલા જ મુંદ્રા પોર્ટ પરથી ૨૧,૦૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યારબાદ હવે ગુજરાત સરકારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી છે સાથે જ ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ન આવે તે માટે પગલાં લીધા છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દરિયાકાંઠાની સુરક્ષા અંગેની ચર્ચા કરવા માટે તાજેતરમાં જ સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે દરિયાઈ વિસ્તારોની સુરક્ષા મજબૂત કરવા માટે કેટલાક લાંબા અને ટૂંકા ગાળાના વિકલ્પો ધ્યાને લીધા છે.
આ મુદ્દે વાત કરતાં હર્ષ સંઘવીએ કહ્યું, “આપણી પોલીસ ખૂબ સતર્ક છે અને આ જ કારણે આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ જપ્ત કરી શક્યા. જાેકે, અમે હજી દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા વધારવા માગીએ છીએ. દરિયાકિનારા વિસ્તારોની સુરક્ષા વધારવામાં નડતી સમસ્યાઓને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક આદેશ આપ્યા છે.
મેનપાવર, ટ્રેનિંગ, અત્યાધુનિક સિક્યુરિટી સિસ્ટમ સાથેની બોટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના આદેશ મુખ્યમંત્રીએ આપ્યા છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષાનો મુદ્દો ચિંતાનો વિષય રહ્યો છે, કારણકે મુંબઈ હુમલો થયો એ સમયે આતંકીઓએ ત્યાં પહોંચવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા જથ્થાના કાર્ગો માટે ૪૩ પોર્ટ આવેલા છે.
નાના પોર્ટ અને ખાનગી ડેવલપરો પાસે હાલ કર્મચારીવર્ગની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અસરકારક પદ્ધતિ નથી. અહીંની સુરક્ષા પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે.
આ બંદરોની સુરક્ષા માટે આધુનિક સાધનોથી સજ્જ સ્પેશિયલ ફોર્સની જરૂર છે. ભારતમાં આવતા કે અહીંથી જતા મુસાફરોની અધિકૃત ચેકપોસ્ટ પર તપાસ થાય તે જરૂરી છે. ગુજરાત અને ભારતમાં અનેક દરિયાઈ બંદરો છે જ્યાં અવારનવાર વિદેશી શીપનો સામાન ઉતારવામાં આવે છે.
ગુજરાતમાં ઓખા અને કંડલા બે મુખ્ય ચેકપોસ્ટ છે. રાજ્ય સરકારે ધ્યાન દોરતાં કહ્યું કે, ભારતીય કાંઠા પરથી વિદેશ જવા નીકળતા નાવિકો યોગ્ય ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરતાં નથી અને ઈમિગ્રેશન ઓફિસર સામે હાજર થતાં નથી. આમ કરીને તેઓ દેશનો કાયદો તોડે છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ઘણીવાર ભારતીય માછીમારોની બોટ પર શંકા કરે છે અને તેઓ IMBL નજીક ફિશિંગ કરી રહ્યા હોય તો પકડી લે છે.
કેટલાક કિસ્સામાં બિનસત્તાવાર ફાયરિંગમાં માછીમારોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તે માટે ગુજરાત સરકાર કેંદ્ર પાસે મદદની અપેક્ષા રાખે છે. કોસ્ટલ સિક્યુરિટી સ્કીમ અંતર્ગત ભારત સરકાર નવી જેટ્ટીઓ માટે ભંડોળ પૂરું પાડી શકે છે અને આ જેટ્ટીઓનો ઉપયોગ કોસ્ટલ સિક્યુરિટીને સંભાળવા માટે થશે.SSS