હું દૂધ ઉત્પાદક હતો પણ વળતર ન મળતા પશુ વેચી દીધાઃ સી.આર. પાટીલ
વડોદરા, વડોદરાની બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને આપવામાં આવતા ભાવમાં વધારો કરવામાં આવે એટલા માટે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર, શૈલેશ મહેતા, અક્ષય પટેલ અને મધુ શ્રીવાસ્તવે આંદોલન કર્યું હતું. આ આંદોલનને લઇને ડેરીના સત્તાધીશોએ ધારાસભ્યોની માગણી સામે ઝુકવું પડ્યુ અને દૂધ ઉત્પાદકોને ૨૭ કરોડ રૂપિયા ભાવફેર માટે આપવામાં આવ્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ડેરીના સત્તાધીશોની સાથે ધારાસભ્યોની બેઠક કરાવી હતી. તેમના જ પ્રયાસથી ડેરીએ ૨૭ કરોડ રૂપિયાનો ભાવફેર આપ્યો હતો.
સી.આર. પાટીલે ડેરીના સત્તાધીશો અને ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર વચ્ચે જે ગેરસમજ હતી તે દૂર કરી હતી. સી.આર. પાટીલની મધ્યસ્થીના કારણે દૂધ ઉત્પાદકોની મુશ્કેલીનું નિવારણ આવતા પાટીલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અભિવાદન કાર્યક્રમમાં સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૫ ધારાસભ્ય અને ૩ સાંસદોની હાજરીમાં સી.આર. પાટીલનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
રિપોર્ટ અનુસાર વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા એસ.પી. પટેલ ફાર્મ હાઉસ ખાતે સી.આર. પાટીલનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં સી.આર. પાટીલે દૂધ ઉત્પાદકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું પણ દૂધ ઉત્પાદક હતો પરંતુ મને વળતર ન મળતા મેં પશુઓ વેંચી દીધા હતા. તમે સૌભાગ્યશાળી છો કે તમને ભાજપના ચારેય ધારાસભ્ય અને ભાજપના નેતૃત્વના કારણે આ ભાવ વધારો મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં અગ્રસર રહી છે અને હંમેશા રહેશે.
બરોડા ડેરી દ્વારા ૨૭ કરોડ રૂપિયાનો ભાવફેર આપતા બરોડા ડેરીની સાથે જાેડાયેલા ૨.૫૦ લાખ દૂધ ઉત્પાદકોને ફાયદો થયો છે. ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જન પ્રતિનીધિ તરીકે અમારી એક ફરજ આવે છે કે અમારી પાસે જે વ્યાજબી માગણી આવે તેની સાથે અમારે રહેવું જાેઈએ. આ અમે કોઈના પર ઉપકાર કર્યો નથી. અમારી લડત પશુપાલકોને તેમનો હક અપાવવાની હતી.
તેમને એમ પણ જણાવ્યું હતું કે, અમારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અમારી માગણી, લાગણી અને લડત આ ત્રણેયને ગ્રાહ્ય રાખીને અઢી લાખ પશુપાલકો માટે કમલમ ખાતે બેઠક કરીને મધ્યસ્થી કરીને ૨૭ કરોડ રૂપિયાની ભાવફેરની રકમ આપવાની જાહેરાત કરી છે. તેથી અમે તેમનો અભાર માનીએ છીએ. અમારી લાગણીને તેમને ન્યાય અપાવ્યો છે.HS