નરોડામાં ચેકિંગ દરમિયાન પોલીસની ટીમ સાથે બે મહીલા સહીત પાંચની ઝપાઝપી
અટક કરેલ શખ્શે પોતે વર્ષોથી દારૂનો ધંધો કરતો હોવાની બુમો પાડી પોલીસને ધમકાવ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલના સમયમાં પોલીસ સાથે ઘર્ષણના બનાવો ખુબ જ બન્યા છે ત્યારે નરોડા વિસ્તારમાં બે મહીલા સહીત પાંચ વ્યક્તિના ટોળાએ કાયદેસરની કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ પર હુમલો કર્યાનું બહાર આવ્યું છે પોલીસે શંકાના આધારે એક શખ્શને રોકીને તેની તથા વાહનની તપાસ કરવાનું કહેતા તેણે ફોન કરી અન્યોને બોલાવ્યા બાદ મામલો બિચક્યો હતો આ શખ્શ અમે વર્ષોથી દારૂનો ધંધો કરીએ છીએ તેવી બુમો પાડતો હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે.
આ ઘટનાની વિગત એવી છે કે નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ આઝાદસિંહ અન્ય સ્ટાફ સાથે નરોડા જીઆઈડીસી ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા દરમિયાન રીંગ રોડ પર નાયરા પેટ્રોલપંપ નજીક એક શંકાસ્પદ વાહનને ઉભું રખાવતા ચાલકનું નામ પુછયું હતું.
જાેકે ચાલકે નામની જાણકારી આપી નહતી. ઉપરાંત વાહન પણ તપાસ કરવા દીધું ન હતુ અને તમે નરોડા પોલીસ અમારી હદમાંથી કેમ દારૂના કેશ લઈ જાવ છો તેમ કહી ફોન કરી અન્ય લોકોને બોલાવતા બે મહીલા તથા બે પુરૂષો ત્યાં આવ્યા હતા બાદમાં પોલીસને ધમકીઓ આપતા આઝાદસિંહે પોલીસ સ્ટેશને જાણ કરતા અન્ય સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો..
વાહનચાલકને એએસઆઈ ભરતસિંહે ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરતા પાંચેય શખ્શો રાહદારીઓને ઉશ્કેરવા લાગ્યા હતા બાદમાં વાહનચાલકે ભરતસિંહ સાથે ઝપાઝપી કરી હતી અને લાફા મારી તેમની વર્દી ફાડી નાખી હતી જયારે કોન્સ્ટેબલ જગદીશભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતા અન્ય બહાદુર નામના શખ્શે તેમની આગળી પર ઈજા કરી હતી.
આ ઝપાઝપી દરમિયાન ટોળાનો લાભ લઈ પ્રતાપ નામનો શખ્શ વાહન લઈ ભાગી ગયો હતો, જયારે પોલીસ સાથે ઝઘડી રહેલી બે મહીલા પણ પલાયન થઈ ગઈ હતી.
પોલીસ તેને પોલીસ સ્ટેશને લાવી પુછતા તેણે પોતે બહાદુરસિંહ જાડેજા (સરદારનગર) હોવાનું કહયુ હતું જયારે તેના સાગરીતો પ્રતાપસિંગ જાડેજા, રજનીબેન જાડેજા, ચેતનાબેન જાડેજા, તથા કરણ ઉર્ફે ગાડીયો જાડેજા હોવાનું ખુલ્યુ છે પોલીસ પુછપરછ દરમિયાન પોલીસ સ્ટેશન બહાર ટોળું જામતા તેમાંથી રજનીબેન તથા ચેતનાબેનને પણ પકડી લેવાઈ હતી પોલીસે આ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ પોલીસ પર હુમલા ઉપરાંતના ગુના નોંધીને અન્ય ફરાર શખ્શોને ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરી છે.