પ્રેમિકા સાથે રહેવા સચિન દિક્ષીતે વડોદરામાં નોકરી લીધી
અઠવાડિયામાં ૨ દિવસ પત્ની સાથે ગાંધીનગરમાં રહેતો હતો અને 5 દિવસ વડોદરામાં ભાડે રહેતો હતો
અમદાવાદ, પેથાપુરમાં મંદિરના પગથિયે બાળક મળી આવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં રાજસ્થાનથી પકડાયેલા બાળકના પિતા સચિન દીક્ષિતે જ બાળકની અસલી માતા હીના ઉર્ફે મંહેદીની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પોલીસ પૂછપરછમાં સચિનની પત્નીએ પોતે પતિના પ્રેમ પ્રકરણથી અજાણ હોવાની વાત જણાવતા પોલીસે સચિનની પ્રેમિકા અને બાળકની અસલી માતા અંગે તપાસ હાથ ધરી હતી. જાે કે, તે અંગે કોઈ માહિતી ન મળતાં સચિને પ્રેમિકાની હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી
અને વડોદરા સ્થિત ભાડે રાખેલા ફ્લેટમાં તપાસ કરતા પ્રેમિકાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે સચિન સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ સચિનને વડોદરા લઈ જવાયો છે, જાે કે, બાદમાં ફરી તેને ગાંધીનગર લાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હીના કોલર કંપનીમાં કામ કરતી હતી અને સચિન ત્યાં કોઈ કામથી ગયો હતો. આ દરમિયાન બંને સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધ બંધાયો હતો.
હાલ બંનેએ લગ્ન કર્યાનું રેકોર્ડ પર નથી. મોટાભાગે આ બંને લિવ-ઈનમાં રહેતા હોવાનું લાગી રહ્યું છે. કારણ કે સચિનની પૂછપરછમાં હજી લગ્નનો કોઈ ખુલાસો થયો નથી. પ્રાથમિક દ્રષ્ટિએ સચિનની પત્ની આ અંગે અજાણ હોવાનું લાગી રહ્યું છે તેમ રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું.
સમગ્ર મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમાએ પોલીસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯માં બંનેએ એક સાથે રહેવાનું ચાલું કર્યું. મહિલા જે શોરૂમમાં નોકરી કરતી હતી ત્યાં બંનેનો સંપર્ક થયો હતો અને ત્યાંથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. છેલ્લા બે મહિના એટલે કે જૂનથી વડોદરાની ઓઝોન કંપનીમાં નોકરી ચાલુ કરી હતી અને બાદમાં વડોદરા સિટીના બાપોદ વિસ્તારમાં દર્શનામ ઓવરસીઝમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ત્યાંજ બંને પોતાના બાળક સાથે રહેતા હતા.
રેન્જ આઈજીએ વધુમાં જણાવ્યું કે, સચિન વીકમાં પાંચ દિવસ વડોદરામાં રહેતો હતો અને શનિ-રવિ તેના માતા-પિતા અને મૂળ પત્ની સાથે રહેવા માટે આવતો હતો. બે દિવસ પહેલા સચિને પરિવાર સાથે વતન જવાનું હતું. પરંતુ મહિલાએ પરિવારને રહેવા તે અને તું હંમેશા મારી સાથે જ રહે તેવું કહેતા બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો હતો
અને ઝપાઝપી પણ થઈ હતી અને અંતે સચિને હીના ઉર્ફે મંહેદી પેથાણીનું ગળું દબાવીને મર્ડર કર્યું હતું અને લાશને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી અને ત્યારબાદ બાળકને લઈને અમદાવાદ આવવા નીકળી ગયો હતો.