રિલાયન્સે સોલર પેનલ્સ અને પોલિસિલિકોન મેન્યુફેક્ચરિંગ કરનારી નોર્વેની કંપની ખરીદી
રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે REC સોલર હોલ્ડિંગ્સ હસ્તગત કરી;
સોલર સેલ્સ પેનલ્સ અને પોલિસિલિકોન મેન્યુફેક્ચરિંગ કરનારી વિશ્વની અગ્રણી કંપની -રિલાયન્સની ન્યૂ એનર્જીની પહેલને એક વૈશ્વિક અને મહત્વપૂર્ણ ઓપરેટિંગ અને ટેક્નોલોજી પ્લેટફોર્મ પૂરું પાડશે
મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (RNESL) એ ચાઇના નેશનલ બ્લ્યૂસ્ટાર (ગ્રૂપ) કંપની લિમિટેડની REC સોલર હોલ્ડિંગ્સ (REC ગ્રૂપ)ના 100 ટકા શેરોનું 771 મિલિયન અમેરિકી ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ મુજબ હસ્તાંતરણ કરવાની જાહેરાત કરી છે. RIL unit #RelianceNewEnergySolar said it acquired REC group from China National Bluestar (Group) Co. Ltd at an enterprise value of $771 million.
RECનું વડુમથક નોર્વેમાં છે અને તેનું કાર્યકારી વડુમથક સિંગાપોરમાં છે તથા ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા-પેસિફિકમાં તેના પ્રાદેશિક કાર્યાલયો છે. REC ગ્રૂપ સોલર એનર્જી ક્ષેત્રે એક આંતરરાષ્ટ્રીય કંપની છે, જે તેના ટેક્નોલોજિકલ નાવિન્ય સાથે અને સ્વચ્છ તથા કિફાયતી સૌરઊર્જા ઉત્પન્ન કરવા માટે ઉચ્ચકક્ષાની,
ઉચ્ચ કાર્યક્ષમતા તથા લાંબા ગાળા સુધી સેવા આપે તેવા સોલર સેલ્સ અને પેનલ્સનું ઉત્પાદન કરે છે. 25 વર્ષથી કાર્યરત આ કંપનીના ત્રણ ઉત્પાદન એકમો છે – સોલર ગ્રેડના પોલિસિલિકોન બનાવવા માટે બે એકમ નોર્વેમાં અને પીવી સેલ્સ અને મોડ્યૂલ્સ બનાવવા માટે એક એકમ સિંગાપોરમાં કાર્યરત છે.
RECની આલ્ફા અને આલ્ફા પ્યોર રેન્જના સોલર મોડ્યૂલ્સની કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને લાંબી લાઇફનો ભરોસો આ ઉદ્યોગના અગ્રણીઓમાં અલાયદુ સ્થાન ધરાવે છે. REC દ્વારા ઉપયોગમાં લેવાતી હેટરોજંક્શન (HJT) ટેક્નોલોજી આ ઉદ્યોગક્ષેત્રે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીની સરખામણીએ તેના મોડ્યૂલ્સને અનેક કદમ આગળ લઈ જાય છે.
REC પાસે યુટિલિટી અને ડિઝાઇનની કુલ 600 પેટન્ટ્સ છે, જેમાંથી 446ને પેટન્ટ મળી ચૂકી છે અને બાકીનાની ચકાસણી થઈ રહી છે. કંપનીનું ધ્યાન હંમેશા મજબૂત રીતે સંશોધન અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે અને હવે, રિલાયન્સના વિશ્વ સ્તરના ઇનોવેશન, સ્કેલ અને ઓપરેટિંગ એક્સલન્સનો સમન્વય થતાં નવીન ટેક્નોલોજીનો વિકાસ થશે અને નવા ઉત્પાદનો રજૂ કરવાની ઝડપ તેજ રફ્તાર બનશે.
REC વૈશ્વિક સ્તરે અગ્રણી નવીનતાઓ માટે જાણીતી બ્રાન્ડ છે. RECએ સૌપ્રથમ હાફ કટ પેસિવેટેડ એમીટર એન્ડ રીઅર સેલ (PERC) ટેકનોલોજી રજૂ કરી હતી, જે આજે તમામ મોટા ઉત્પાદકો દ્વારા અપનાવવામાં આવી છે, જ્યારે હવે REC તેની આગામી પેઢીની HJT ટેકનોલોજી તરફ આગળ વધી છે. RECનું નોર્વેમાં કાર્યાન્વિત એકમ પોલિસિલિકોનના ઉત્પાદનમાં તેની ન્યુનત્તમ કાર્બન ફૂટપ્રિન્ટના કારણે ખાસ ઓળખ ધરાવે છે.
REC પાસે વૈશ્વિક સ્તરે 1,300 થી વધુ કર્મચારીઓ છે. હસ્તાંતરણની સફળ સમાપ્તિ પછી તેઓ ગર્વભેર રિલાયન્સ પરિવારના સભ્ય બનશે અને દુનિયાને સ્વચ્છ એવી ગ્રીન એનર્જી પર લાવવાની પ્રક્રિયાના વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી મિશનની ટીમનો અભિન્ન હિસ્સો બનશે.
RECના પૂર્વનિયોજિત વિસ્તરણને રિલાયન્સ મજબૂત ટેકો આપશે, જેમાં સિંગાપોર એકમના 2-3 ગીગાવોટ સેલ્સ તથા મોડ્યૂલનું વિસ્તરણ અને ફ્રાન્સમાં 2 ગીગાવોટ સેલ્સ અને મોડ્યૂલના નવા એકમનું અને એક ગીગાવોટ મોડ્યૂલ પ્લાન્ટના અમેરિકા ખાતેના વિસ્તરણનો સમાવેશ થાય છે.
ભારતમાં રિલાયન્સ ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ, જામનગર ખાતે તેમની સંપૂર્ણ સંકલિત, મેટાલિક સિલિકોનથી પીવી પેનલ ઉત્પાદન ગીગા ફેક્ટરીમાં આ ઉદ્યોગની અગ્રણી તકનીકનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જે શરૂઆતમાં 4 ગીગાવોટ પ્રતિ વર્ષ ક્ષમતા સાથે શરૂ થશે
અને તબક્કાવાર તેને 10 ગીગાવોટ પ્રતિ વર્ષ ઉત્પાદન ક્ષમતા સુધી લઈ જવામાં આવશે. RECની ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિલાયન્સ તેના વિશાળ કદના પ્રોજેક્ટનું અમલીકરણ કરવાની તથા તેની કાર્યાન્વિત ક્ષમતાઓ જાળવવાની કુશળતાથી ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક આગલી પેઢીની સંપૂર્ણ સંકલિત PV ઉત્પાદન સુવિધાની સ્થાપનાને સરળ બનાવશે
અને આવા નિર્માણ સંકુલો સમગ્ર વિશ્વમાં પણ શરૂ કરશે. આરઇસીનું હસ્તાંતરણ રિલાયન્સને તૈયાર વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને તેના થકી અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયામાં અન્યત્ર સહિત વૈશ્વિક સ્તરના ગ્રીન એનર્જી બજારમાં વિસ્તરણ અને વૃદ્ધિની તક ઝડપવામાં મદદ કરશે.
આ હસ્તાંતરણ અંગે બોલતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “હું આરઇસીના અમારા હસ્તાંતરણથી ખૂબ જ ખુશ છું કારણ કે તે રિલાયન્સને સૂર્ય દેવની અમર્યાદિત અને ભારત પર વર્ષભર નિરંતર વરસતી શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે.
આ દાયકાના અંત પહેલા 100 GW સ્વચ્છ અને ગ્રીન ઊર્જા ઉત્પાદનને સાકાર કરવાના રિલાયન્સના લક્ષ્યને હાંસલ કરવાના હેતુ માટે આ હસ્તાંતરણ નવી અને અદ્યતન તકનીકો અને ઓપરેટિંગ ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી વ્યૂહરચનાને અનુરૂપ છે.
2030 સુધીમાં 450 GW નવીનીકરણીય ઊર્જાના ઉત્પાદન માટેના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા લક્ષ્યાંકમાં આ એક જ કંપની દ્વારા સૌથી મોટું યોગદાન બની હશે. આબોહવાની કટોકટી દૂર કરવા માટે સ્વચ્છ ઊર્જા તરફ વળવામાં સમગ્ર વિશ્વમાં અગ્રણી બનવા માટે અમારી આ પહેલ ભારતને મજબૂત બનાવશે.
અમારા તાજેતરના અન્ય રોકાણો સાથે, રિલાયન્સ હવે વૈશ્વિક સ્તરે સંકલિત ફોટોવોલ્ટેઇક ગીગા ફેક્ટરી સ્થાપવા માટે તૈયાર છે અને ભારતને સૌથી ઓછી કિંમત અને સૌથી વધુ કાર્યક્ષમતા ધરાવતી સોલર પેનલ માટે ઉત્પાદન કેન્દ્ર બનાવશે. અમે અમારા ગ્રાહકોને ભારતમાં અને વિશ્વભરના બજારોમાં ઉચ્ચ ગુણવત્તાની, વિશ્વસનીય વીજળી પહોંચાડવા
માટે ઉચ્ચતમ વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને અર્થવ્યવસ્થા પ્રાપ્ત કરવા માટે વૈશ્વિક સ્તરની કંપનીઓ સાથે રોકાણ, નિર્માણ અને સહયોગ કરવાનું ચાલુ રાખીશું. હું ખાસ કરીને એટલા માટે વધારે ખુશ છું કારણ કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિકેન્દ્રિત રીતે લાખો રોજગારીની હરિયાળી તકો ઊભી થશે.
હું રિલાયન્સ પરિવારમાં RECના બહુરાષ્ટ્રીય વૈવિધ્ય ધરાવતાં કર્મચારીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું તેમને ખાતરી આપું છું કે તેઓ હવે ભારત અને વિશ્વને હરિત ઊર્જાની આગેવાની લેવા માટેના ટકાઉ અને સર્વસમાવેશક વિકાસના નવા યુગમાં લઈ જવા માટેના સૌથી ઉત્તેજક અને મહત્વાકાંક્ષી મિશનમાં સહભાગી બનશે.
અત્યંત પ્રતિબદ્ધતા અને દ્રઢ નિશ્ચય સાથે, અમે સાથે મળીને ધરતી માતાની સંભાળ રાખવા (કેર ફોર મધર અર્થ) અને પૃથ્વી પરના તમામ લોકોની સંભાળ રાખવા (કેર ફોર ઓલ ધ પીપલ ઓન ધ પ્લેનેટ) માટે અમારા તરફથી બધું કરીશું, જે રિલાયન્સની વ્યવસાયિક ફિલસૂફીના કેન્દ્રસ્થાને છે.”