નવરાત્રીના ગરબા જાેઇને પરત જતા યુવકનું અકસ્માતમાં મોત
સુરત, ગુજરાતી ભાષામાં કહેવત છે કે, “ઝડપની મજા મોતની સજા”, જે સુરતના એક યુવક સાથે સાચી સાબિત થઇ રહી છે. હકીકતમાં, ડાયમંડ સીટી એવા સુરતમાં મિત્રો સાથે નવરાત્રિના ગરબા જાેઈ પરત ફરી રહેલા પાંડેસરાના એક યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઉમંર ૨૨ વર્ષ હતી અને તેનું નામ માનીશ હતું. તે પાંડેસરા નાગસેન નગરનો રહેવાસી હતો. તે મોડલિંગનો શોખીન હતો.જાે કે હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે તે પોતાના મિત્રો સાથે ગરબા જાેવા ગયો હતો. આ દરમિયાન અડાજણથી મગદલ્લા બ્રીજ થઈ પાંડેસરા જઇ રહ્યો હતો,
ત્યારે લગભગ બે બાઇક અને એક મોપેડ પર સવાર વિક્કી અને મિત્રો વચ્ચે રેસ લાગતા મિત્રો આગળ નીકળી ગયા હતા પરંતુ આ દરમિયાન રાત્રે ઘરે આવતા તેનુ ઓએનજીસી કંપનીના ગેટ સામે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ સાથે જ ઈજાગ્રસ્ત યુવકને તત્કાલિક ૧૦૮ની મદદથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. બીજી બાજુ આ ઘટના બાદ પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને સાથે સાથે પરિવારે આર્થિક સહારો પણ ગુમાવ્યો છે.