ગુજરાતના રાજકારણમાં ઘણા ફેરફારો થશે તેવું મારું અંગત માનવું છે: કેજરીવાલ
નવીદિલ્હી, ગુજરાતની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગાંધીનગરમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે.
ગાંધીનગરની ૪૪ બેઠકોમાંથી ૪૧ બેઠક પર ભાજપનો વિજય થયો છે. ૨ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે અને ૧ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. ત્યારે ગાંધીનગરમાં એક બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતના હોદ્દેદારો દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. દિલ્હીમાં ગુજરાતના પ્રદેશ નેતાઓએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ૨ કલાક સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ચૂંટણીમાં થયેલા તમામ અનુભવ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા એક સારો વિકલ્પ શોધી રહી છે અને એટલા માટે જ ૧૫ દિવસમાં આમ આદમી પાર્ટી ૨૨ ટકા મત મેળવી શકી. વિધાનસભાના ઇલેક્શનને હજુ ૧૫ મહિનાનો સમય બાકી છે એટલે એવી આશા છે કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં તમામ લોકો સુધી પહોંચવામાં સફળતા મેળવશે.
સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આવનારા દિવસોની અંદર ગુજરાતના રાજકારણમાં ઘણા ફેરફારો થશે તેવું મારું અંગત માનવું છે. ચૂંટણીના પરિણામને જાેતા મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ગુજરાતના લોકોની પહેલી પસંદ આમ આદમી પાર્ટી હશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, ઓછા સંસાધન હોવા છતાં પણ આમ આદમી પાર્ટીને લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલે અભિનંદન પાઠવ્યા છે. મહેશ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠનની ક્ષમતા પારખીને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ સારું પરિણામ લાવવા માટે મહેનત કરવા આહ્વાન કર્યું હતું.
ગુજરાતની જનતા પરિવર્તન ઇરછી રહી છે અને હાલના સત્તા પક્ષને લઈને લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે તેથી ગુજરાતના લોકોની સેવા આમ આદમી પાર્ટી પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક કરવા માંગે છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ૨૦૨૨ની ચૂંટણીને લઈને સંગઠનને મજબૂત કરવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સજ્જ થઇ ગયા છે.HS