વડોદરામાં ગરબા રમીને ઘરે આવ્યાં બાદ માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત
વડોદરા, વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થયાં છે. રાત્રે ૧૨ વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યાં બાદ બંનેનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. મહિલાના ગળાના ભાગે ઇજાનાં નિશાન મળી આવ્યાં છે, જેને પગલે પોલીસે માતા-પુત્રીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ન્યૂ સમા રોડ પર આવેલી ૪૮, ચંદનપાર્ક સોસાયટી ૩૬ વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની ૬ વર્ષની પુત્રી કાવ્યા તેજસભાઇ પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે ૧૨ વાગ્યે ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા.
માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેનાં મોતનું સાચું કારણ બહાર આવશે.
મહિલાના ગળાના ભાગે ઇજાનાં નિશાન છે અને છોકરીને પ્રવાહી પિવડાવવામાં આવ્યું હોય તેમ પોલીસ માની રહી છે. રાત્રે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલમાં પતિ લઇ ગયો હતો, પણ બંનેનાં મોત થયાં હતાં. આમ, રાત્રે ૧૨થી લઇને અઢી વાગ્યાના ગાળામાં કંઇક અજુગતું બન્યું હોવાની પોલીસને આશંકા છે, જેને પગલે પોલીસે પતિ તેજસ પટેલની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે મૃતક મહિલાનો પતિ ઘર જમાઇ તરીકે રહે છે અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. હાલ અમે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.બહેન અને ભાણીના મૃત્યુને પગલે મૃતક મહિલાનો ભાઇ શૈલેન્દ્ર સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના ભાઇ પાસેથી બહેન, ભાણી અને બનેવી વિશે માહિતી મેળવી હતી. જાેકે પરિવાર તરફતી હજુ સુધી કોઇ આક્ષેપો થયા નથી.HS