સીતા માતાની શોધમાં ભગવાન રામ ડાંગના દંડકારણ્ય પહોંચ્યા હતા, ત્યાં ઉજવાશે ‘દશેરા મહોત્સવ’

(ડાંગ માહિતી બ્યૂરો) આહવા, ત્રેતા યુગની આ ઘટના છે. ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન સીતામાતાનું રાવણે હરણ કર્યું હતું. સીતા માતાની શોધમાં દંડકારણ્ય તરીકે ઓળખાતા અતિ રમણીય પ્રદેશમાં પ્રભુ શ્રીરામ આવ્યા હતા તે આ ડાંગ જિલ્લો. જ્યાં પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ ભક્તિમયી શબરી માતાની ઝૂપડીયે પધાર્યા હતા.
અને ત્યાં શબરીએ એઠાં બોર પ્રેમથી ખવડાવ્યા હતા. પ્રભુના મિલન પછી શબરી માતા એ યોગા અગ્નિથી પોતાની જીવનલીલા ને સંકેલી લીધી હતી. આ યોગાગ્નીનો પ્રકાશ આજે પણ જે પહાડી પર અવતરે છે તે પહાડી ,,”ચમક ડુંગરી” ના નામથી પ્રસિદ્ધ થઈ, તે આ જ પવિત્ર તિર્થસ્થાન – “શબરીધામ”.
“દંડકારણ્ય” ની પાવન ભૂમિ ઉપર યોજાઇ રહેલા રાજ્ય કક્ષાના “દશેરા મહોત્સવ” કાર્યક્રમના આયોજન વ્યવસ્થા માટે ડાંગ કલેક્ટર ભાવિન પંડયા એ સંબંધિત તમામ વિભાગો/કચેરીઓની ભૂમિકા સ્પષ્ટ કરી સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતો ચકાસી લેવા અનુરોધ કર્યો હતો.
ડાંગ ‘દંડકારણ્ય’ની પાવન ભૂમિ ઉપર યોજાશે ‘દશેરા મહોત્સવ’
અમલીકરણ અધિકારીઓને કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપતા કલેક્ટર પંડયા એ મહાનુભાવોના આતિથ્ય સત્કાર સહિત યોગ્ય પોલીસ બંદોબસ્ત, સમગ્ર કાર્યક્રમોનુ મિનિટ ટુ મિનિટ આયોજન, ફાયર ફાઇટર સહિત કર્મચારીઓની ફરજ સોંપણી, માઇક/સ્ટેજ વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન, જરૂરી આરોગ્ય સેવા, સાંસ્કૃતિક કાર્યક્રમો,
અને શ્રોતાજનો માટેની વ્યવસ્થા જેવા મુદ્દે વિસ્તૃત છણાવટ કરી ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે આયોજિત “રાવણ દહન” તથા “મહાઆરતી” ના સ્થળની ચકાસણી સહિત પંપા સરોવર ખાતે પણ આનુષાંગિક વ્યવસ્થાઓ ચકાસી લેવાની પણ કલેક્ટરએ સૂચના આપી હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત દશેરા મહોત્સવ કાર્યક્રમ અન્વયે તા.૧૫/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે ૫ વાગ્યે સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ “સાંસ્કૃતિક કાર્યક્રમો” ની રજૂઆત કરાશે. જ્યારે ૭ વાગ્યે “રાવણ દહન” નો કાર્યક્રમ, અને ૭ઃ૧૫ વાગ્યે “મહા આરતી”નો કાર્યક્રમ યોજાનાર છે.
આ અવસરે ઉપસ્થિત રહેનારા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, કલ્પસર અને મત્સ્યોદ્યોગ તથા ગ્રામ વિકાસ મંત્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા, સાંસદ ડો. કે.સી.પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી, પ્રજાજાેગ સંબોધન કરશે.
જિલ્લા સેવા સદન આહવા ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગામિત, પ્રયોજના વહીવટદાર કે.જે. ભાગોરા, સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.