સુરત બાદ કેશોદની શાળામાં કોરોનાના કેસ મળી આવ્યા
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લામાં આમ તો કોરોના વાયરસ નહીવત છે ત્યારે અચાનક જિલ્લાના કેશોદની એક પે-સેન્ટર શાળામાં કોરોના વાયરસના કેસ મળી આવ્યા છે. શાળાના ૩ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જાેવા મળતા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ.
આ ટેસ્ટિંગમાં ૩ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ૭ દિવસમાં આ બીજી શાળા કોરોનાના કેસ મળી આવતા બંધ કરવાની ફરજ પડી છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ કેસ છે જ નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં કેશોદ તાલુકાના મેસવાણની સરકારી પે-સેન્ટર શાળામાં કોરોનાના કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
૩ કેસ સંખ્યાની દૃષ્ટીએ ખૂબ ઓછા છે પરંતુ શાળાના વિદ્યાર્થીઓ હજુ સુધી કોરોના સામે સુરક્ષિત છે ત્યારે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. કેશોદમાં શાળાના વિદ્યાર્થી પોઝિટિવ આવતા ૧૬મી ઑક્ટોબર સુધી શાળા બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે તો વળી પોઝિટિવ વિદ્યાર્થીના પગલે અન્ય વિદ્યાર્થીના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરતમાં ૫મી ઑક્ટોબરના રોજ એલપી સવાણી સ્કૂલમાં ત્રણ બાળકો પોઝિટિવ આવતા શાળા બંધ કરવામાં આવી હતી. દરમિયાન હવે સૌરાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારમાં આ ઘટનાએ ચિંતા વધારી છે. અડાજણના હનીપાર્ક રોડ પર આવેલા એલ.પી. સવાણી સ્કૂલમાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તપાસ દરમિયાન અન્ય બે વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. એક સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી કેતન ગરાસીયા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થતિનો તાગ મેળવ્યો હતો.
આ સાથે સલામતીના ભાગરૂપે એક સપ્તાહ માટે સ્કૂલ બંધ પણ કરી દેવામાં આવી હતી. રાજયમાં ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૨૭ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા ૨૧ કેસ ફક્ત ૬ જિલ્લા અને ૪ મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરકમાં ૬, સુરત શહેરમાં ૩, નવસારીમાં ૩, જૂનાગઢમાં ૨, સુરત જિલ્લામાં ૩, જૂનાગઢમાં ૨, ખેડામાં ૧, રાજકોટ ૧, વડોદરામાં ૧, વડોદરા શહેરમાં ૧ કેસ નોંધાયો છે.SSS