દુર્ગા માતાનો પંડાલ બૂટ-ચંપલથી સજાવવામાં આવતા ભારે વિરોધ
કોલકતા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો પર્વ ધૂમધામથી ચાલી રહ્યો છે જાત જાતના પંડાલ અને દુર્ગા માતાની મૂર્તિઓ સજાવેલી જાેવા મળી રહી છે. આ દરમિયાન એક પંડાલને લઈને વિવાદ ઊભો થતો દેખાઈ રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી એ આ પંડાલ વિરુદ્ધ રાજ્યના ગૃહ સચિવને પત્ર પણ લખ્યો છે. દમ દમ વિસ્તારમાં બનેલા એક દુર્ગા પંડાલને બૂટ અને ચંપલોથી સજાવવામાં આવ્યો છે. જેને લઈને ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ પણ વ્યક્ત કર્યો છે. પંડાલના આયોજકોએ આ સજાવટ પર સફાઇ આપતા કહ્યું કે તેના થકી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
દમ દમ પાર્ક ભારત ચક્રની પૂજા થીમ આ વખતે ખેડૂતોનું અંદાલન છે. ૩ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેને લઈને આ પંડાલમાં એ ઘટનાઓને દર્શાવવવામાં આવી છે જે ખેડૂતોને સાથે જાેડી રહી છે. તેમાં આંદોલનથી લઈને લખીમપુર ખીરી હિંસા સુધી દર્શાવવામાં આવી છે. પંડાલમાં બૂટ અને ચંપલ પણ લગાવવામાં આવ્યા છે. તેને લઈને ભાજપએ આયોજકો પર નિશાનો સાધ્યો છે. ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ તેના વિરોધમાં રાજ્ય ગૃહ સચિવને પણ પત્ર લખ્યો છે.
ભાજપ મીડિયા સેલ પ્રમુખ સપ્તર્ષિ ચૌધરી સહિત બંગાળના ઘણા ભાજપ નેતાઓએ પંડાલમાં ચંપલ અને બૂટનો ઉપયોગ કરવા માટે સોશિયલ મીડિયા પર આયોજકોને ફટકાર લગાવી છે.
તેમણે લખ્યું કે આ એ જગ્યા છે જ્યાં ભજન કરવામાં આવશે, લોકો પૂજા કરશે અને તમે આ જગ્યાને સજાવવા માટે ચંપલનો ઉપયોગ કરશો? તેમણે એ પણ આરોપ લગાવ્યો કે આયોજક રાજનીતિથી પ્રેરિત છે. તો વિશ્વ હિન્દુ પરિષદે પણ આ થીમનો વિરોધ વ્યક્ત કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે તેના વિરોધમાં રાજ્યના ગૃહ સચિવને પત્ર લખીને પંડાલમાંથી બૂટ અને ચંપલ હટાવવાની માગણી કરી છે.
તેમણે આ થીમને આસ્થાનું અપમાન ગણાવ્યું છે. આ બાબતે ભાજપના વિરોધ બાદ સીપીએમ પંડાલના આયોજકોના સપોર્ટંમાં આવી છે. ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના સંઘર્ષની આગેવાની કરી રહેલા ખેડૂત મોરચાના નેતા અને સીપીએમ પોલિત બ્યૂરોના સભ્ય હન્નાન મુલ્લાએ કહ્યું કે ખેડૂતોના વિરોધને પૂજા થીમના રૂપમાં અપનાવવું એક સકારાત્મક સંકેત છે.
આ આંદોલન માટે લોકોના સમર્થનને દર્શાવે છે. તેમણે આગળ કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સ્પષ્ટ રૂપે ડરેલા અને શરમમાં છે એટલે તેઓ દુર્ગા પૂજાના રાજનીતિકરણ પર પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે.HS