મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિતના રાજયો કોલ ઈન્ડીયાના મોટા ડીફોલ્ટરો
કોલસા ઉત્પાદનમાં પણ હવે ભારત આત્મનિર્ભર-કોલસાની આયાતમાં ઘટાડો થતાં ભારતે કોલસાનું ઉત્પાદન વધારવા માટેના શરૂ કરેલા પ્રયાસો
ભારત સહિત વિશ્વના અનેક દેશો કોલસાની આયાત ઉપર નભી રહયા છે ખાસ કરીને વીજ ઉત્પાદનમાં કોલસાની આયાત મહત્વનો ભાગ ભજવે છે ભારતમાં હાલ વિદેશથી આવતા કોલસામાં ૧ર ટકાનો ઘટાડો થતા તેની સીધી અસર વીજ ઉત્પાદન ઉપર પડી રહી છે એકબાજુ કેન્દ્રીય વીજ મંત્રી દેશમાં વીજ કટોકટી નહી સર્જાય તેવો દાવો કરી રહયા છે
ત્યારે બીજીબાજુ દેશના કેટલાક રાજયોએ વીજ સંકટ ઘેરૂ બનવા લાગ્યુ છે. અચાનક જ કોલસાની આયાતમાં ઘટાડો થતાં જ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે દેશના મોટા રાજયો ગણાતા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના છ જેટલા રાજયો એ કોલ ઈન્ડીયાને રૂા.ર૧ હજાર કરોડ ચુકવવાના બાકી નીકળે છે
જાેકે બાકી લેણાં છતાં આ તમામ રાજયોને કોલસાનો સપ્લાય ચાલુ રાખવામાં આવ્યો છે. દેશમાં હવે કોલસાના ઉત્પાદન ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા માટેનો સ્પષ્ટ સંદેશો વડાપ્રધાને આપી દીધો છે અને વધુને વધુ કોલસાનું ઉત્પાદન થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં અનેક પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને યુધ્ધના ધોરણે દેશમાં રોજ ર૦ લાખ ટન કોલસાનું ઉત્પાદન કરવા માટે સંનિષ્ઠ પ્રયાસો શરૂ કરવા જણાવવામાં આવ્યું છે.
ફકત ભારત જ નહીં પુરૂ વિશ્વ અભુતપૂર્વ વિજળી સંકટના દ્વારે આવીને ઉભુ રહી ગયું છે. કેન્દ્ર સરકાર ભલે ગમે તેટલો ઈન્કાર કરે પરંતુ જે એક બાદ એક અહેવાલો આવી રહ્યા છે તેમાં વિજળી કાપ કેટલો પાછો ઠેલી શકાશે તે પણ પ્રશ્ર છે. ભારતમાં પાવર પ્લાન્ટમાં કોલસાની અછતના કારણે ઉત્પાદન ઉપર અસર થઈ છે
અને અનેક રાજયો તે અંગે કેન્દ્ર સરકારને જણાવી રહ્યા છે કમ સે કમ છ રાજયો એવા છે કે લોડ શેડીંગ લાદી દીધું છે અને કદાચ ગુજરાતમાં પણ ઔપચારિક રીતે તે લાદી દેવામાં આવી રહ્યું છે. ખેતી માટેની વીજળી જે ટનને બદલે ૧૦ કલાક અને રાત્રીના બદલે દિવસે આપવાની શરૂઆત હજુ ચાર મહિના પહેલા કરવામાં આવી હતી તેને અચાનક થંભાવી દેવામાં આવી છે.
મોટાભાગના વિજ એકમોમાં મરામતના નામે અને પીજીવીસીએલ સહિતની ગુજરાતની કંપનીઓ લોકલ મરામતના નામે પાવર સપ્લાય બંધ કરી રહ્યા છે પરંતુ હજુ ગુજરાત સરકાર એ સ્વીકારતી નથી કે તેના વિજ મથકો પણ કોલસાની તંગીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતના મુંદ્રા ખાતે આવેલ ટાટા પાવરે વિજળીનું ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. મુંદ્રા સ્થિત અદાણી પાવર પણ કોલસાની અછતનો સામનો કીર રહ્યું છે અને ફકત બે દિવસનો કોલસાનો જથ્થો હોવાનું જણાવે છે. દિલ્હીમાં ગ્રાહકોને એસએમએસથી વિજ કાપ માટે તૈયાર રહેવા સુચના આપવામાં આવી છે, પંજાબમાં પણ ત્રણ ચાર કલાકનો વિજ કાપ લાદી દેવાયો છે.
રાજસ્થાન, તામિલનાડુ, આંધ્રપ્રદેશ જયાં કોલસાની ખાણો છે તે ઝારખંડ અને બિહારમાં પણ વિજ મથકો કોલસાના અભાવે ઠપ્પ થવા લાગ્યા છે તો બીજી તરફ આયાતી કોલસો મોંઘો થવાથી તેની આયાત પર અસર પડી છે. ફકત ભારત જ નહીં યુરોપના અન્ય દેશો પણ આ પ્રકારે વિજ કટોકટીનો સામનો કરી રહ્યા છે.
ખાસ કરીને યુરોપના દેશો પોતાની ઉર્જા જરૂરીયાત માટે પ્રાકૃતિક ગેસ અને પરમાણુ ઉર્જા પર નિર્ભર છે અને તેમાં સૌથી મોટો હિસ્સો પ્રાકૃતિક ગેસનો છે જેની સપ્લાયમાં વિધ્ન સર્જાયુ છે. એક તરફ દુનિયામાં ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
જર્મનીમાં પણ પાવર પ્લાન્ટ બંધ થવા લાગ્યા છે અમેરિકામાં ગેસના ભાવમાં વધારો થયો છે. પ્રાકૃતિક ગેસની વધેલી માંગ માટે ર૦ર૬માં એક વૈશ્વિક માપદંડ નિશ્ચિત થવાનો છે. કયાં દેશ કેટલો કાર્બન ઉત્સર્જીત કરે છે તેની જાહેરાત થવાની છે. ગ્લોબલ વોર્મિંગ માટે આ કાર્બનનું વધતું પ્રમાણ ચિંતાજનક છે.
કોલસાનું ઉત્પાદન ઓછું થયું તેના માટે પણ ચોમાસાને કારણ અપાય છે. ભારતમાં ભારે પુરના કારણે કોલસાની ખાણોમાં પાણી ભરાય જતા તેને બંધ કરવાની ફરજ પડી હતી અને હવે તે એકાદ માસ પછી શરૂ થઈ શકશે. આ સ્થિતિમાં રશિયાએ વૈશ્વિક ભૂમિકા ભજવી શકે છે કારણ કે રશિયાની પાઈપલાઈનથી સમગ્ર યુરોપને ગેસ મળે છે.
રશિયાએ એક એવી પાઈપલાઈન તૈયાર કરી છે જે નોડસ્ટ્રીમ-ર તરીકે ઓળખાય છે જે સીધી જર્મની સુધી જશે અને તેનાથી ગેસની સ્થિતિ સુધરશે પરંતુ અમેરિકા પ્રેરીત દેશો ગેસ સપ્લાય માટે રશીયા પર વધુ આધાર રાખવા માંગતા નથી.
કોલસાની અછત માટે એક કારણ એ પણ અપાય છે કોરોનાના કારણે ખાણો બંધ રાખવામાં આવી હતી જે ઉત્પાદન ઘટયુ તેની અસર હવે વર્તાય રહી છે. કોલસા મંત્રાલય સતત કહે છે કે હાલ વિજ મથકો પાસે ૭ર લાખ ટન કોલસો મોજુદ છે ચાર દિવસનો પુરવઠો છે જયારે કોલ ઈન્ડીયા પાસે ૪૦૦ લાખ ટન કોલસો છે
અને તે પણ દેશમાં ગમે ત્યારે પહોંચાડવા માટે રેલવેને તાત્કાલીક કામગીરી કરવામાં સુચના આપવામાં આવી છે. છેલ્લા બે માસમાં કોલસાની માંગ ભારતમાં ૧૭ ટકા વધી છે જયારે વિશ્વમાં કોલસાની કિંમત ૪૦ ટકા વધી છે. ભારતમાં દુનિયામાં કોલસાનો ચોથા નંબરનો સૌથી મોટો ભંડાર છે. તેમ છતાં ભારત જે રીતે કોલસો વાપરે છે તેથી વિશ્વમાં નંબર-ર આયાતકાર દેશ છે.
નિષ્ણાંતો કહે છે કે કોલસાની આયાત પર નિર્ભર રહેવું તે ભારતીય તંત્ર માટે યોગ્ય નથી કારણ કે એક વખત આયાતી કોલસા પર જ જાે દેશ ચાલ્યો જશે તો પેટ્રોલ-ડિઝલના ભાવ જેવું વિજળીના ભાવમાં પણ બની શકે છે કે જયારે વૈશ્વિક ભાવ વધારો હાલ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ પર જે અસર કરે છે તેવી જ રીતે કોલસાનો ભાવ વધારો ત્યારબાદ ભારતમાં રોજેરોજ વિજળીના દામ નકકી કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. નિષ્ણાંતો માને છે કે હાલની સ્થિતિ જાેખમભરી છે.
આગામી ૪ કે પ મહિના સુધી આપણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. દેશના ૮૦ ટકા કોલસાનું ઉત્પાદન સરકારી કંપની કોલ ઈન્ડીયા કરે છે અને તેના પૂર્વ ચેરમેન જાેહરા ચેટર્જી કહે છે કે જાે પરિસ્થિતિ આ જ રીતે બનતી રહી તો દેશમાં ઉત્પાદન ક્ષેત્ર પર મોટી અસર થશે એક તરફ કોરોના પછીની સ્થિતિના કારણે માંગમાં વધારો થયો છે અને ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
તે સમયે ઉત્પાદન ખર્ચ વધશે તો સીમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રકશન તથા તે કોલ આધારીત વ્યવસ્થા છે તેને મોટી અસર થશે. ભારતમાં કુલ જે વિજળી ઉત્પાદન થાય છે તેમાં ૭૦ ટકા કોલસા આધારીત છે તબક્કાવાર ભારતે સોલાર તથા વિન્ડ એનર્જી તરફ જવાનું પસંદ કર્યુ છે પરંતુ તે વૈકલ્પીક વ્યવસ્થા બની શકે નહી. ભારતે બેકઅપમાં કોલસા આધારીત વીજ મથકોને સતત ચાલતા રાખવા પડશે.
જાેકે નિષ્ણાંતોની ચેતવણી છે કે કોરોના કાળની જેમ ઓકસીજનની સ્થિતિ અંગે સરકાર સબ સલામતના સંકેત આપતી હતી તેવી જ રીતે હાલ કોલસાની સ્થિતિ અંગે આ પરિસ્થિતિ દર્શાવી રહી છે. પરંતુ દેશના અનેક રાજયો જે રીતે કોલસાની તંગીનો અનુભવ કરી રહ્યા છે તે સ્થિતિમાં તાત્કાલીક કોલસો ન મળે તો વિકટ સમસ્યા સર્જાય શકે છે.