Western Times News

Gujarati News

તળાજાના ખેડૂતોએ જાતે મેથાળા બંધારો બનાવ્યો

ભાવનગર, તળાજાના દરિયા કાંઠા વિસ્તારના ૧૩ જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો મેથળા ગામે આવેલ મેથળા બંધારામાં ૯૦ ફૂટ મોટું ગાબડું પડી ગયું છે. ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવક થતાં બંધારાનો આરસીસીનો પાળો તૂટી જતાં ખેડૂતોએ જાત મહેનતે ફાળો ઉઘરાવી ફરી મેથળા બંધારાનું નિર્માણ શરૂ કર્યું છે. ખેડૂતોએ કહ્યું, અમે હિંમત નથી હાર્યા, જેટલી વાર તૂટશે એટલી વાર મહેનત કરીને અમે ફરીને બંધારો બનાવશું.

ચોમાસા દરમ્યાન સારો વરસાદ થતાં તળાજા તાલુકાના મેથળા ગામે આવેલ મેથળા બંધારો અનેક વખત ઓવરફ્લો થયો હતો. પાણીની પુષ્કળ આવકના પગલે ૨૦ કિમી વિસ્તારમાં ફેલાયેલા મેથળા બંધારાની ઉપરથી સતત પાણી વહી રહ્યું હતું.

જેથી કોંક્રિટની બનેલ વોગિનની દિવાલ પાણીનું પ્રેશર સહન ના કરી શકતા ૬ ઓકટોબરની રાત્રે મેથળા બંધારાનો વોગિનનો પાળો અચાનક તૂટી જવા પામ્યો હતો. જેથી બંધારાનું પાણી દરિયામાં વહી રહ્યું છે. આજે ૬ દિવસ વિતવા છતાં બંધારાના પાણીની જાવક હજુ પણ ચાલુ છે. ત્યારે પોતાની પરસેવાની મહેનત પર આ રીતે પાણી ફરી જતા ખેડૂતોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.

પરંતુ ખેડૂતોએ હિંમત હાર્યા વગર ફરી મેથળા બંધારાનું રીપેરીંગ કાર્ય શરૂ કરી દીધું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે આવેલ મેથળા બંધારો કે જે ૧૩ થી વધુ ગામોના ખેડૂતોએ લોકફાળો ઉઘરાવી ૨૦૧૮ માં રૂ. ૮૬ લાખના ખર્ચે તૈયાર કર્યો હતો.

જેમાં તળાજા પંથકના ૧૨ ગામની વચ્ચેથી પસાર થતી બગડ નદીનું પાણી દરિયામાં વહી જતું હતું, પરંતુ ભરતી સમયે દરિયાનું ખારું પાણી આ નદીમાં પરત ફરતું હોય આ નદીના પાણીમાં ખારાશ ભળી જતા આ વિસ્તારની કિંમતી જમીન બિનઉપજાવ બની ગઈ હતી.

જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર પાસે બંધારો બાંધી આપવાની લાંબા સમયથી રજૂઆત હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળતા ગામલોકોએ ત્રણ વર્ષ પહેલા લોકફાળો ઉઘરાવી ૮૬ લાખ રૂપિયાના ખર્ચે ૧ કિમી લાંબો આ બંધારો જાતે બાંધી તૈયાર કર્યો હતો, જેના સારા પરિણામો પણ મળ્યા.

માટીનો બંધારો દરિયાના ખારા પાણીને પરત ફરતા અટકાવવામાં સફળ રહ્યો, સાથે જ હજારો હેક્ટર જમીન પર મીઠા પાણીના સરોવરનું નિર્માણ થયું હતું. કુવાઓના તળ ઉંચા આવી ગયા, આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ હતી. ખેતરો અને વાડીઓ ફરી જીવંત બની જતા ચોમાસા ઉપરાંત શિયાળુ અને બાદમાં ઉનાળુ પાક પણ ખેડૂતો લઇ શક્તા હતા. જે આ વિસ્તારના ખેડૂતો માટે ફાયદારૂપ બની ગયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.