ભરૂચ કોંગ્રેસ દ્વારા “ખાડા મહોત્સવ”ની ઉજવણી

તસવીઃ વિરલ રાણા, ભરુચ
કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા શહેરમાં પડેલા ખાડાઓ પુરવાની માંગ કરવા સાથે કેબિનેટ મંત્રી અને ભરૂચ જીલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીને પધારવા આમંત્રણઃ ઢોલ નગારા સાથે રસ્તા પર ઉતરી મુખ્ય માર્ગો પર નારિયેળ ફોડી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરતા કોંગી આગેવાનોની અટકાયત કરી.
(પ્રતિનિધિ) ભરૂચ, ભાજપ સરકારના રોડ રસ્તાના ૮૦ ટકા પેચવર્કના દાવા સામે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધ કરી પાંચબત્તી ખાતે “ખાડા મહોત્સવ” નું આયોજન કરવામાં આવતા પોલીસ દ્વારા કોંગી અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.
રાજ્યના માર્ગ અને મકાન મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીએ તેમની ભરૂચની મુલાકાત દરમ્યાન રોડ રસ્તાની મરામતની ૮૦ ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.જે સામે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો હતો અને તે સામે કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા શહેરમાં પડેલા ખાડાઓ પુરવા માંગ સાથે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેર પ્રમુખ વિક્કી સોખી ની આગેવાની માં વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,મહિલા જીલ્લા પ્રમુખ જ્યોતિબેન તડવી,પાલિકા સભ્ય સલીમ અમદાવાદી સહીતના આગેવાનો અને કાર્યકરોએ ઢોલ નગારા અને હાથ માં બેનરો સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો વાહન વ્યવહાર થી ધમધમતા પાંચબત્તી સર્કલ પાસે રસ્તા પર ઉતરી મુખ્ય માર્ગો પર નારિયેળ ફોડી વિરોધ કરતા પોલીસ પણ દોડતી થઈ હતી અને વિરોધ પ્રદર્શન કરતા કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
પોલીસે અટકાયત કરતા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની સાથે સાથે તેમના ગુજરાતના મંત્રીઓને જુઠ્ઠું બોલતા થઈ ગયા છે.ભરૂચ ખાતે પધારેલા મંત્રી અને જીલ્લા પ્રભારીએ જણાવેલ કે 80 ટકા માર્ગો ની મરામત થઈ ગઈ છે. જે સત્ય નથી અને દરેક વિસ્તારની જાત તપાસ કરવામાં આવી છે.
શહેર ના દરેક વોર્ડ ની પરિસ્થિતિ ભયજનક છે.ભરૂચ શહેર ને જોડતા માર્ગો પણ આજે ખાડાગ્રસ્ત છે.ત્યારે આ ખાડા મહોત્સવ થી ભાજપ પાર્ટીના મંત્રીને આમંત્રણ આપ્યું છે કે આવે ભરૂચમાં અને ક્યાં છે ૮૦ ટકા કામગીરી થઈ છે તે બતાવે.
ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા પચવર્ક માં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે અને મેન્યુઅલી કામ કરી રહ્યા છે.જ્યાં પેવર મશીન થી કામગીરી કરવાની જરૂર છે અને હવે પેવર મશીન થી કામગીરી નહિ કરવામાં આવે તો તે કામગીરી અટકાવવામાં આવશે.
તો શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખીએ જણાવ્યું હતું કે આજે ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી લોકો ને ખબર પડે કે જે ૮૦ ટકા કામગીરી થઈ છે તો હાલની પરિસ્થિતિ લોકો સામે લાવ્યા છે અને હજુ તો ગલીઓની પરિસ્થિતિ દયનીય છે.
જેથી તંત્ર વહેલી તકે લોકો ની સુખાકારી માટે સારા રસ્તાઓ બનાવે અને જે વારંવાર રસ્તા તૂટે છે જેની ખરેખર એક સમીક્ષા થવી જોઈએ.સારી એજન્સીઓને કામ આપો જેથી રોડ વારંવાર તૂટે નહિ અને જો નહિ કરવામાં આવે તો આવનાર દિવસો માં કાર્યક્રમો કરવામાં આવશે.
ભરૂચ શહેરમાં ચોમાસાનું સમાપન થવા આવ્યું છે તેમ છતાં પણ રસ્તાઓની હાલત સુધરી નથી રહી ત્યારે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન બાદ તેમાં સુધાર આવે છે કે કેમ તે જોવું રહ્યું.