વીજ સંકટઃ દેશના 18 પાવર પ્લાન્ટસ પાસે કોલસો જ નથી, 26 પ્લાન્ટ પાસે એક દિવસનો સ્ટોક
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર એક તરફ છાતી ઠોકીને દાવો કરી રહી છે કે, દેશમાં કોલસાની અછતના કારણે કોઈ વીજ સંકટ નથી સર્જાયુ તો બીજી તરફ દેશના થર્મલ પાવર પ્લાન્ટ પાસે કોલસાના સ્ટોકના સરકારના આંકડા બીજુ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે.
જેમ કે દેશમાં 135 પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરવામાં આવે છે. આ પૈકીના 18 પ્લાન્ટ પાસે કોલસાનો સ્ટોક જ નથી. બીજી તરફ 20 જ પ્લાન્ટ એવા છે જ્યાં સાત દિવસ કે તેથી વધારે ચાલે તેટલો કોલસાનો સ્ટોક છે.
વીજ મંત્રાલયના આંકડા પ્રમાણે 12 ઓક્ટોબર સુધીમાં દેશના 18 પ્લાન્ટ પાસે કોલસાનો એક પણ દિવસનો સ્ટોક નહોતા. 26 પ્લાન્ટ પાસે એક દિવસ ચાલે તેટલો જ કોલસો બચ્યો હતો અને 20 પ્લાન્ટમાં સાત કે તેના કરતા વધારે દિવસ માટેનો કોલસાનો સ્ટોક હતો.
કોલ ઈન્ડિયા દ્વારા રેકોર્ડ તોડ ઉત્પાદન બાદ પણ આ પ્રકારની સ્થિતિ છે. આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે કોલસાનુ 249.8 મિલિયન ટન ઉત્પાદન થયુ છે. જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન થયેલા ઉત્પાદન કરતા 13.8 મિલિયન ટન વધારે છે. એ પછી પણ આ સંકટ કેવી રીતે સર્જાયુ તે અંગે સરકારનુ કહેવુ છે કે, કોરોના બાદ ઈકોનોમીમાં આવેલી રીકવરીના કારણે વીજ માંગ વધી છે અને સાથે સાથે વિદેશથી આયાત થનારા કોલસાની કિંમત વધતા આયાત ઘટી છે.
જોકે એક વાત એ પણ સામે આવી છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં પાવર પ્લાન્ટસને કોલસાનો સ્ટોક રાખવા સલાહ અપાઈ હતી પણ તેને નજર અંદાજ કરવામાં આવી હતી.