કાબુલમાં અંધારપટ: તાલિબાન પાસે વીજ સપ્લાય માટે પાડોશી દેશોને ચુકવવાના પૈસા નથી
નવી દિલ્હી, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને બીજા બે પ્રાંતમાં અંધારપટ છવાઈ ગયો છે.
એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, અફઘાનિસ્તાનની સરકારી વીજળી કંપની ધ અફઘાનિસ્તાન બ્રેશના શેરફત દ્વારા મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાન જેવા દેશો પાસેથી વીજળી લઈને પૂરી પાડે છે. વીજ કંપની પર 6.2 કરોડ ડોલરનુ દેવુ છે. આ રકમ તેને વીજ સપ્લાય માટે ચુકવવાની છે.
તાલિબાનનુ શાસન આવ્યા બાદ દેશમાં વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે. બહારથી વીજળી ખરીદવા માટે તાલિબાન પાસે નથી પૈસા કે નથી બીજો કોઈ રસ્તો. આગામી શિયાળામાં અફઘાની નાગરિકો પર વીજ કાપનુ સંકટ મંડરાઈ રહ્યુ છે.
જાણકારોનુ કહેવુ છે કે, કાબુલ જેવુ જ વીજ સંકટ આખા અફઘાનિસ્તાન પર આવી શકે છે. તાલિબાને સત્તા કબ્જે કર્યા બાદ એમ પણ અફઘાનિસ્તાનની ઈકોનોમી બેહાલ બની ચુકી છે. બેન્કિંગ સિસ્ટમના પણ ઠેકાણા રહ્યા નથી. અમેરિકાએ અફઘાનિસ્તાનની અબજો ડોલરની રકમ પણ ફ્રિઝ કરી રાખી છે.