મચ્છરના બ્રીડીંગ મળી આવતાં સેલ્બી હોસ્પિટલ અને ડ્રાઈવ ઈન સિનેમાને નોટીસ
સોમા ટેક્સટાઈલ સહિત છ યુનિટો સીલ કરવામાં આવ્યાં |
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાે.ના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ કરવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં તથા ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધી મેલેરીયાયુક્ત ગુજરાત જાહેર કરેલ નિર્ધાર ધ્યાનમાં લઈ ઈન્ટ્રા ડોમેસ્ટીક, પેરા ડોમેસ્ટ્રીક, ફોગીંગ, આઈ.આર.એસ., એન્ટી લાર્વલ, કન્સ્ટ્રક્શન સાઈટોનું ચેકીંગ તથા જરૂરી આઈ.ઈ.સી. એક્ટીવીટી જેવી તમામ પ્રકારની સઘન રોગ અટકાયતી કરવામાં આવેલ છે. અ.મ્યુ.કો.માં હાલ નોંધાયેલ મચ્છરજન્ય રોગોના કેસોમાં આગામી સમયમાં ઘટાડો થાય તે માટે આગામી અઠવાડિયા દરમ્યાન સઘન ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી છે.
જેના ભાગરૂપે તા.૨૪-૯-૧૯ના રોજ દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા ઝોનમાં આવેલ અલગ અલગ વિસ્તારમાં આવેલ તમામ મોલ-મલ્ટીપ્લેક્ષ, હોટલો, હોસ્પિટલોની ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદર ચેકીંગ દરમ્યાન કુલ ૬૫૩ મોલ-મલ્ટીપ્લેક્ષ, હોટલો, હોસ્પિટલો ચેક કરી, ૨૨૫ નોટીસો, ૦૬ મોલ-મલ્ટીપ્લેક્ષ, હોટલો હોસ્પિટલોને સીલ કરવામાં આવેલ છે.
મ્યુનિ.કોર્પાે.મચ્છર નિયંત્રણ માટે મોલ-મલ્ટીપ્લેક્ષમાં ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં સોમા ટેક્સટાઈલ, સી.યુ.એચ. હોસ્પિટલ, રાજદીપ ગેસ્ટ હાઉસ, ડી ઝોન હોસ્પિટલ વગેરેમાં મચ્છરનાં વધુ બ્રીડીંગ મળી આવતાં તેમને સીલ કરવામાં આવ્યાં છે. જ્યારે સેલ્બી હોસ્પિટલ, હોટલ કેમ્બે, ડ્રાઈવ ઈન સિનેમા, નારાયણી હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ શાહીબાગ, આલ્ફા વન મોલ, વાત્સલ્ય હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, મેટ્રો મોલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, હોટલ લેન્ડ માર્ક, મેન ફ્લાવર હોસ્પિટલ વગેરેને નોટીસ આપી પેનલ્ટી પણ કરવામાં આવી છે. જેમાં સેલ્બી હોસ્પિટલને સૌથી વધુ રૂ.૩૦,૦૦૦ની પેનલ્ટી કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પાે.એ ૬૫ એકમોને મચ્છર બ્રીડીંગ માટે નોટીસ આપી રૂ.૪,૬૭,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કર્યાે છે.