Western Times News

Gujarati News

વિજયા દશમીના દિને મોંઘવારીના રાવણનું દહન કરતા પોલીસે ધરપકડ કરી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રવણ ચોકડી પાસે મોંઘવારીના રાવણનું દહન કરી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાનો વિરોધ કરતા કોંગી આગેવાનોની પોલીસે ઘરપકડ કરી હતી.

જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું દુષ્કર થઈ ગયું છે.પેટ્રોલ-ડીઝલના ભાવ સો રૂપિયાને પાર થઈ ગયા છે.ત્યારે સ્વાભાવિક રીતે જ તેના કારણે ટ્રાન્સપોર્ટથી લઈને અન્ય તમામ ચીજવસ્તુઓ પર મોંઘવારીનો બોજ પડી રહ્યો છે.

આવી સ્થિતિમાં આર્થિક રીતે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે.છતાં પણ સરકાર તેને નિયંત્રણમાં લાવી શકી નથી.ભરૂચ કોંગ્રેસ દ્વારા સરકારની આર્થિક નિષ્ફળતાને પ્રતિકાત્મક રીતે દશેરાના દિને મોંઘવારીના પૂતળા દહન કરવાનો કાર્યક્રમ સૂત્રોચ્ચાર સાથે આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જેના પગલે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગીજનોની અટકાયત કરી હતી.

કોંગ્રેસ જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે,દશેરાના દિવસે સત્ય ઉપર સત્યનો વિજય થતો હોય છે.રાવણને રાક્ષસના પ્રતિક તરીકે રાખીને તેના દહનનો કાર્યક્રમ વિજયા દશમીના દિવસે કરવામાં આવતો હોય છે.આજે મનુષ્ય સામે રાક્ષસ તરીકે પ્રતિકાત્મક રીતે જાેઈએ તો મોંઘવારીએ રાક્ષસની જેમ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે.ત્યારે મોંઘવારીના પૂતળાદહનનો કાર્યક્રમ કર્યો છે.

કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ વિક્કી સોખી,યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,પાલિકા વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ,જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી,પાલિકાના દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.