Western Times News

Gujarati News

રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન પદની ચૂંટણી છેલ્લી ઘડીએ રહી મુલત્વી

ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલની બહુમતી છતા ચેરમેન પદનું કોકડું ગૂંચવાયું

પાટણ, રાધનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના બે જૂથો સામસામે પેનલ બનાવીને ચૂંટણી લડ્યા હતા. માર્કેટયાર્ડની ૧૬ બેઠકો પૈકી ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલે ૧૦ બેઠક કબજે કરી હતી. માર્કેટયાર્ડમાં ચેરમેન પદની વરણી માટે યોજાનાર ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.

રાધનપુર માર્કેટયાર્ડ કબજે કરવા ભાજપના બે આગેવાનોએ સામસામે પેનલો બનાવી હતી. માર્કેટયાર્ડની ૧૬ બેઠકોમાં ર બેઠકો બિનહરીફ થઈ હતી, જયારે ૧૪ બેઠકોની યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પરિવર્તન પેનલે ૧૦ બેઠક કબજે કરી હતી. ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલમાં ચૂંટાયેલા સદસ્યો પૈકી માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે ત્રણ નામોની અટકળો ચાલતી હતી.

જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા માર્કેટયાર્ડમાં ચેરમેન પદની ચૂંટણી માટે તા.૧૪.૧૦.ર૦ર૧ની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ૧૪મી ઓકટોબરના સવારે ૧૦ કલાકે માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે યોજાનારી ચૂંટણી જિલ્લા રજીસ્ટાર દ્વારા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્ય્‌ હતો.

રાધનપુર માર્કેટયાર્ડમાં બહુમતી સાથે ચૂંટાઈને આવેલ ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલમાં ચેરમેન પદ માટે એક નામ માટે પાર્ટીના આગેવાનો દ્વારા અનેક મથામણ કરવામાં આવી હતી પરંતુ એક નામ પર સર્વ સંમતિ ના સાધતા અને ચેરમેન પદ માટેની ખેંચતાણને લઈને રાજકીય ઈશારે ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાંથી સાંભળવા મળી હતી.

માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે મુલતવી રાખવામાં આવેલ ચૂંટણી ફરી ક્યારે યોજાશે તે બાબતે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાનું માર્કેટયાર્ડના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાધનપુર માર્કટયાર્ડના ચેરમેન પદની ચૂંટણી મુલતવી રહેતા ચેરમેનપદ મેળવવા ચૂંટણી લડેલા લોકોમાં નિરાશા જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.