U-૧૯ના પૂર્વ સુકાની અવિ બારોટનું હાર્ટએટેકથી નિધન
રાજકોટ, સૌરાષ્ટ્રના યુવાન રણજી ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના અંડર-૧૯ના પૂર્વ કપ્તાન અવી બારોટનું નાની વયે નિધન થયું છે. ૨૯ વર્ષના અવી બારોટનું ગઈકાલે અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. અવી બારોટ બેટ્સમેન અને વિકેટ કિપર હતો અને તેનું મૃત્યુ હ્યદય રોગના હુમલાના કારણે થયું હોવાની માહિતી સામે આવી છે.
અવી બારોટે સૌરાષ્ટ્ર અને હરિયાણામાંથી રણજીની મેચો રમી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અવીના અવસાનના સમાચારથી આઘાતમાં છે. તેણે સૌરાષ્ટ્ર માટે નોંધપાત્ર રમત રમી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે એક નિવેદનમાં જણાવ્યું કે ‘અવીના અકાળે અવાસનના સમાચાર ખરેખર દુઃખદ સાથે આઘાતજનક છે.
અવી એક સારો ટીમપ્લેયર અને ક્રિકેટર હતો. તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. અવી ખૂબ મળતાવડા સ્વભાવનો અને સારો માણસ હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેના અવસાનથી આઘાતમાં છે. અવી બારોટે છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ત્રણ દિવસ પહેલાં મૂકી હતી જેમાં પોતાનો મેચનો વીડિયો મૂક્યો હતો અને લખ્યું હતું કે ‘હું બહુ દૂરનુ નથી જાેતો મારા માટે એક પગલું જ કાફી છે’ કદાચ આ જ પોસ્ટ હવે આજીવનનું સંભારણનું બનીને રહી જશે.
અવી બારોટે ૩૮ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જ્યારે ૩૮ લીસ્ટ એ મેચ અને ૨૦ ડોમેસ્ટીક ટી-૨૦ મેચ રમી હતી. અવી વિકેટકિપર કમ બેટ્સમેન હતો અને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં ૧૫૪૭ રન અને છ-ગેમ્સમાં ૧૦૩૦ રન કર્યા હતા. આ ઉપરાંત તેણે ટી-૨૦ની છ ગેમ્સમાં ૭૧૭ રન નોંધાવ્યા હતા.
અવી બારોટ ૨૦૧૯-૨૦ની સૌરાષ્ટ્રની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો. અવી બારોટે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં ૨૧ મેચ રમી હતી અને વર્ષ ૨૦૧૧માં તેને ઇન્ડિયાનો અન્ડર-૧૯ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગોવા સામેની મેચમાં તેણે ૫૩ બૉલમાં ૧૨૨ રન બનાવ્યા તે યાદગાર પર્ફોમન્સ હતું.SSS