ખેડૂતોના આક્રોશને ઠારવા મોદી મેદાનમાં આવશે
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવાં ખેડૂતોની બહુમતી ધરાવતાં રાજ્યોમાં ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યા છે ત્યારે ભાજપે ખેડૂતોને મનાવવા કિસાન મોરચાને સક્રિય કરવાનો ર્નિણય કર્યો છે. તેના ભાગરૂપે દિલ્હીમાં ૩૦ ઓક્ટોબરે ભાજપ કિસાન મોરચાની રાષ્ટ્રીય કારોબારી બોલાવાઈ છે.
કારોબારીને જે.પી. નડ્ડા અને કેન્દ્રીય કૃષિ મંત્રી સંબોધશે એ તો નક્કી જ છે પણ મોદી પણ સંબોધન કરે એવું આયોજન કરાઈ રહ્યું છે. મોદી સંબોધન કરે તેથી ટીવી ચેનલો પર લાઈવ ટેલીકાસ્ટ થાય જ. એક રીતે કારોબારીના માધ્યમથી મોદી દેશભરના ખેડૂતોને સંબોધન કરે એવો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષને આ કાર્યક્રમની જવાબદારી સોંપાઈ છે તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપ આ કાર્યક્રમને ચૂંટણી સભામાં જ ફેરવી દેવા માગે છે.
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, લખીમપુર ખીરીની ઘટના અંગે હજુ સુધી મોદી કે ભાજપના ટોચના નેતા કશું બોલ્યા નથી તેના કારણે ખેડૂતોમાં ભાજપ તરફ આક્રોશ છે. આ આક્રોશને ઠારવા માટે મોદીએ મેદાનમાં આવવું જરૂરી છે.HS