‘કદી કાશ્મીર પાછા નહીં આવીએ’, આતંકવાદી હુમલાઓના ભયથી પ્રવાસી મજૂરોમાં ડર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Jammu-1-1024x576.jpg)
નવી દિલ્હી, જમ્મુમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસી મજૂરોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાથી ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અન્ય પ્રદેશોમાંથી કામ કરવા માટે પહોંચેલા લોકો પલાયન કરવા માટે મજબૂર જણાઈ રહ્યા છે. કાશ્મીરમાં બિહારના 2 પ્રવાસી મજૂરોની હત્યા કરવામાં આવી ત્યાર બાદ રેલવે સ્ટેશનોની સ્થિતિ બદલાઈ ગઈ છે. જમ્મુ રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે જેઓ પોતાના ઘરે પાછા ફરવા ઈચ્છે છે.
મોટી સંખ્યામાં લોકો જમ્મુ રેલવે સ્ટેશનના ફૂટપાથ પર બેઠેલા છે અને સૌ પોતપોતાના વતન જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. પોતાની સ્થિતિ વર્ણવતી વખતે કેટલાક મજૂરોની આંખમાં પાણી આવી ગયા હતા. ત્યાંના મજૂરોના બાળકો ભૂખના કારણે રોતા અને વિલાપ કરતા જોવા મળ્યા હતા. મજૂરોના કહેવા પ્રમાણે તેઓ કદી પાછા ઘાટી (કાશ્મીર)માં નહીં આવે કારણ કે, ત્યાં આતંકવાદીઓ ધમકી આપી રહ્યા છે અને ટાર્ગેટ કરીને હુમલા કરી રહ્યા છે.
પ્રવાસી મજૂરોના કહેવા પ્રમાણે તેમનો જીવ જોખમમાં છે અને સ્થિતિ એવી છે કે, તેમના પાસે કોઈ જમાપૂંજી પણ નથી. કેટલાક મજૂરો દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે તેઓ જે ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહ્યા હતા ત્યાંના માલિકે તેમને બાકી પૈસા પણ નથી ચુકવ્યા અને જીવ જોખમમાં હોવાથી તેઓ ઘરે પાછા ફરવા મજબૂર બન્યા છે.