જાેધપુર-વેજલપુરમાં મ્યુનિ.ના આવાસો ભાડે પધરાવી દેવાયાનો પર્દાફાશ થતાં ચકચાર
કોર્પાેરેટરોએ મ્યુનિ.ના ખાલી પડી રહેલાં મકાનો લુખ્ખા તત્વોએ પચાવી પાડ્યાં હોવાથી તથા ભાડે કે વેચાણ આપતાં હોવાની ચોંકાવનારી રજૂઆતો કરી
અમદાવાદ, શહેરનાં હજારો જરૂરિયાતમંદ નાગરિકોને સાવ રાહતદરે ઘરનાં ઘર આપવાની યોજનાનો ગેરલાભ લઇને કેટલાક લોકો પોતાને મળેલા મકાન ભાડે વેચાણ આપી દેતાં હોવાની ફરિયાદો સાવ તથ્યહીન નથી એવું અગાઉ પણ પુરવાર થયું છે, ત્યારે જાેધપુર અને વેજલપુરની બે આવાસ યોજનામાં કેટલાક મકાન ભાડે અપાયાં હોવાનો પર્દાફાશ મ્યુનિ.ના ચેકિંગમાં થતાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગ્રાન્ટ અને મ્યુનિ.ની જમીન મળી કરોડો રૂપિયાનાં ખર્ચે શહેરનાં ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગનાં નાગરિકો માટે ગરીબ આવાસ યોજના તથા લોઅર ઈન્કમગ્રૂપ યોજના અંતર્ગત હજારો મકાન બનાવીને બજારભાવ કરતા એકદમ રાહતદરે આપવામાં આવી રહ્યાં છે.
મ્યુનિ.ના દ્વારા જ્યારે ફોર્મ બહાર પાડવામાં આવે ત્યારે હજારો લોકો એવા પણ હોય છે જેઓ પેાતાનાં મકાન ધરાવતાં હોય કે મકાનની જરૂર ન હોય તો પણ ફોર્મ ભરી દેતાં હોય છે, જેમને ડ્રોમાં મકાન લાગી જાય એટલે ભાડે આપી દેવાનો તથા પાવર ઓફ એટર્નીથી વેચી મારવાનો ધંધો કરતાં હોય છે. મ્યુનિ. અને ઔડા દ્વારા નિર્મિત ગરીબ આવાસ યોજનાઓમાં તો કેટલાય લોકોએ પાવર ઓફ એટર્નીથી મકાનો લીધા છે અને તેઓ ભાડે આપી કમાણી કરી રહ્યાં છે.
ગરીબ આવાસ યોજના તથા એલઆઈજી સ્કીમનાં દુરૂપયોગ અંગે મ્યુનિ.ભાજપનાં જ કેટલાય કોર્પાેરેટરોએ જાતજાતની ફરિયાદો કરી છે, તેમાં કેટલાક કોર્પાેરેટરોએ તો મ્યુનિ.નાં ખાલી પડી રહેલાં મકાનો લુખ્ખા તત્ત્વોએ પચાવી પાડ્યાં હોવાની ચોંકાવનારી રજૂઆતો કરી છે. તેમ છતાં મ્યુનિ.નાં એસ્ટેટ ટીડીઓ ખાતાનું પેટનું પાણી હાલતું નથી અને દરેક ઝોનમાં સ્ટાફ નથી તેવા બહાના કાઢવામાં આવે છે.
જાેકે, આ બાબતને ગંભીરતાથી લઇને મ્યુનિ.શાસક ભાજપનાં હોદ્દેદારોએ આપેલી કડક સૂચનાને પગલે સાતેય ઝોનમાં એસ્ટેટ ખાતાએ આવાસ યોજનાઓમાં ભાડુઆત રહે છે કે મકાનમાલિક તેની તપાસ શરૂ કરી છે,
તેનાં પ્રથમ તબક્કામાં જ દક્ષિણ પશ્ચિમ ઝોનનાં જાેધપુર અને વેજલપુરમાં એલઆઈજી તથા ઈડબલ્યુએસ આવાસ યોજનાનાં કેટલાક મકાનમાં ભાડૂઆત રહેતાં હોવાનું બહાર આવ્યું હતું. તેનાં પગલે તમામ મકાનોમાં ચેકિંગ શરૂ કરાતાં કેટલાય લોકો મકાનોને તાળા મારીને રવાના થઇ ગયાં હોવાનું જાણવા મળે છે.