હાર્વેસ્ટર લઈ ગુજરાત પહોંચેલા શીખ વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં
ડીઝલના ભાવ વધતા ખેતી કામમાં ૧ વીઘે રૂા.૬૦૦નું નુકસાન
શામળાજી, ડીઝલનો ભાવ વધતાં માત્ર જીવનજરૂરી ચીજ-વસ્તુનું પરિવહન જ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા ઓજારો ચલાવવા પણ મોંઘા બન્યા છે. હાલ મગફળી, ડાંગર અને સોયાબીન કાઢવાની સિઝન છે. જેમાં ખેડૂતો થ્રેસર અને હાર્વેસ્ટર સહિત ડીઝલ સંચાલિત વાહનોનો ઉપયોગ કરી રહ્યાં છે. ડીઝલનો ભાવ વધતા ખેડૂતોને ખેત સાધનો ચલાવવા મોંઘા પડી રહ્યાં છે.
ડીઝલના ભાવ વધતા ખેડૂતોને પ્રતિ વીઘે ૬૦૦ રૂપિયાથી વધુ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે, બીજી બાજુ પંજાબથી દર વર્ષે શીખ સમુદાયના વેપારીઓ હાર્વેસ્ટર સહિત અન્ય ખેત ઉપયોગી વાહનો લઇ ગુજરાતમાં ખેતરમાંથી પાક લણવાનું કામ કરવા પહોંચી રહ્યા છે. ડીઝલમાં અસહ્ય ભાવ વધારો થતા પૂરતા ભાવ ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
પંજાબથી હાર્વેસ્ટર સહિત વિવિધ ખેત વાહનો સાથે રોજી-રોટી મેળવવા પહોંચેલ શીખ સમુદાય ડીઝલમાં થયેલ તોતીંગ વધારાથી રોજીરોટી મેળવવી મુશ્કેલી અનુભવી રહ્યાં છે. શીખ ખેડૂતોના જણાવ્યાં અનુસાર ડીઝલના ભાવમાં વધારો થતા ખેત વાહનો ચલાવવા પરવડતા નથી અને ખેડૂતો પણ ભારે મહેનત પછી ખેતીમાંથી થતી ઉપજમાંથી ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ખેડૂતોએ પણ ડીઝલના ભાવ વધતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો હોવાનું જણાવ્યું હતું.
ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર પાક જણસની પડતર કિંમત પર પડશે. બીજી તરફ ખેડૂતોને ડીઝલ તો બજાર ભાવે જ ખરીદવું પડે છે. આથી એમાં કોઈ જાતની રાહત મળતી નથી. જાે ટેકાના ભાવમાં સરકાર વધારો કરી દે તો ખેડૂતોની કમાણી જળવાઈ રહે. તો જેઓને પોતાની જણસ યાર્ડ સુધી પહાંચાડવાની છે તેના વાહન ભાડામાં પણ વધારો થવાનો જ છે. આમ ખેડૂતોને જણસ તૈયાર કરવાથી લઈને વાહન ભાડાંનો માર પડવાનો છે એ નક્કી છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.