દ્વારકાના જામગઢકામાં વીજ વાયર પડતાં કરંટથી સગીરા સહિત ત્રણનાં મોત
દ્વારકા, દેવભૂમી દ્વારકાના જામગઢકામાં વીજ કરંટ લાગવાથી એક સગીરા સહિત ત્રણ લોકોના મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સગીરા સોમવારે સાંજે ખેતરેથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે જીવતો વીજ વાયર તેના પર પડતાં કરંટ લાગવાથી તેનું મોત થયું હતું. આ મામલે ક્લાયણપુર પોલીસના અધિકારીએ જણાવ્યું કે, જામગઢકા ગામની સગીરા ખેતરેથી ઘરે જઈ રહી હતી ત્યારે વીજ વાયર તેના પર પડતાં તેનું મોત થયું હતું.
આવી જ રીતે ચાચલાણા ખાતે અન્ય એક ઘટનામાં ટ્રાન્સફોર્મર રિપેર કરી રહેલા અર્જૂન કોળી (ઉ.30)નું વીજ શોક લાગવાથી મોત થયું હતું. આ ઘટનામાં બલગર બાવાજી (ઉ.47) અર્જૂનને બચાવવા જતા તેનું પણ કરંટ લાગવાથી મોત થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ બનાવમાં મૃતક વીજ કંપનીના નિષ્ણાતને બોલાવવાને બદલે જાતે જ ટ્રાન્સફોર્મર રિપેર કરવા ઉપર ચડ્યો હતો. ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી અર્જૂન જીવના જોખમે ટ્રાન્સફોર્મર રિપેર કરી રહ્યો હતો. દરમિયાન આ જ સમયે તેને વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું. તેને બચાવવાનો પ્રયાસ કરનાર બલગરનું પણ વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.