ઘાટલોડિયાનો વિઝા કન્સલ્ટન્ટ બે વ્યક્તિનાં રૂપિયા ૨૦ લાખથી વધુ પડાવી ફરાર
એકને ફ્લાઈટની ખોટી ટીકીટો બનાવી આપીઃ પોલીસ તપાસ શરૂ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગાંધીનગરમાં રહેતાં એક વ્યક્તિએ ઘાટલોડીયામાં વિઝા કન્સલ્ટન્ટ પાસે કેનેડાની વર્ક પરમીટ કરાવવા માટે રૂપિયા આપ્યા હતા. બાદમાં આ કન્સલ્ટન્ટે વાતોમાં લાવી તેમની ગાડી પણ ખરીદી લીધી હતી. જાેકે એ પછી કામમાં ગલ્લા તલ્લાં કરતો હતો.
વ્યક્તિએ વારંવાર પૂછપરછ કરતાં તેણે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન અન્ય એક વ્યક્તિ પાસેથી પણ ૧૬.૮૦ લાખ રૂપિયા લઈ છેતરપીંડી કરી હોવાની તેમને જાણ થઈ હતી. આ ઘટનાની વિગત એવી છે કે દિનેશભાઈ પ્રજાપતિ (૫૫) પટેલ વાસ જાસપુર ગામ કલોલ ખાતે રહે છે.
તેમના પુત્ર ત્રૃષલ તથા પુત્રવધુ સ્નેહાને વર્ક વિઝા લઈ કેનેડા જવુ હોવાથી નવા વાડજ કલ્પતરૂ ફ્લેટમાં રહેતા સંબંધી શૈલેષભાઈ પ્રજાપતિ સાથે વાત કરી હતી. જેણે પોતાના મિત્ર મિતેશ કૃષ્ણકાંત શાહ (એંજલ ઓર્કેડ, સોલા રોડ) સાથે તેની ઓફીસમાં મુલાકાત કરાવી હતી.
મિતેશે મોટી મોટી વાતો કરીને ઝડપથી કામ કરવા ફીની ચૂકવણી માંગ્યા મુજબ તુરંત કરી આપવાનું કહી ને ટુકડે ટુકડે ૫.૪૨ લાખ રૂપિયા પડાવ્યા હતા. બીજીતરફ શૈલેષભાઈએ પણ વર્ક પરમીટ મળ્યે ૧૦ ટકા કમિશન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ મિતેશ સ્ટાફ માટે કારની જરૂર છે તેમ કહીને દિનેશભાઈની જુનીકાર ૧.૫૦ લાખમાં ખરીદી લીધી હતી.
તેમાંથી ફક્ત ૧૬ હજાર રૂપિયા ચુકવ્યા હતા. જાેકે રૂપિયા આપ્યા બાદ એક વર્ષ થઈ જવા છતાં વર્ક વિઝા નહી મળતાં દિનેશભાઈએ વારંવાર પૂછપરછ શરૂ કરી હતી. જેથી ગલ્લા તલ્લાં કર્યા બાદ શૈલેષભાઈ તથા મિતેશે ફોન ઉપાડવાનું બંધ કર દિધુ હતુ. બાદમાં મિતેષે પૈસા મારી પાસે છે તમારે જે કરવું હોય એ કરો તેવી ધમકી આપી હતી.
આ દરમિયાન ચિંતનભાઈ પ્રજાપતિ નામના અન્ય યુવકને પણ યુકેનાં સ્ટુડન્ટ વિઝા મેળવી આપવા માટે ૧૬.૮૦ લાખ રૂપિયા મિતેષે પડાવ્યા હતા. ગયા જાન્યુઆરી મહીનામાં તેમને પણ લંડન હજારો એરપોર્ટની ખોટી ટીકીટો બનાવી આપી હતી જેથી બંને મિતેશની ઓફીસે જતાં તે તાળાં મારી ફરાર થઈ ગયો હતો.
જેનાં પગલે દિનેશભાઈએ મિતેશ તથા શૈલેષભાઈ વિરુધ્ધ પોતાની સાથે ૫.૪૨ લાખ રૂપિયાની તથા ગાડીનાં ૯૦ હજાર રૂપિયાની ઉપરાંત ચિતનભાઈ સાથે ૧૬.૮૦ લાખ રૂપિયાની થયેલી ચીટીંગની ફરીયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.