Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં આકાશી આફતથી અત્યાર સુધીમાં ૪૦ના મોત

નૈનીતાલ અને અન્ય ક્ષેત્રોમાંથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં રસ્તાઓ અને પુલો પાણીમાં વહેતા જાેવા મળી રહ્યા છે, રેલના પાટા પણ વહી ગયા

નવી દિલ્હી, ઉત્તરાખંડમાં એકવાર ફરીથી વરસાદ, વાદળ ફાટવા અને અચાનક પૂર આવવાના કારણે તબાહી મચી ગઈ છે. રાજ્યના અનેક ભાગોમાં આ કુદરતી આફતના કારણે મૃત્યુઆંકનો આંકડો ૪૦ સુધી પહોંચી ગયો છે. નૈનીતાલ અને અન્ય ક્ષેત્રોમાંથી એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં રસ્તાઓ અને પુલો પાણીમાં વહેતા જાેવા મળી રહ્યા છે. રેલના પાટા સુદ્ધા વહી ગયા છે.

નૈનીતાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જિલ્લામાં ૨૫ લોકોના મોત અને સાત લોકો ગૂમ થયા હોવાની પુષ્ટિ કરી છે. એટલે કે કુલ ૪૦માંથી ૨૫ લોકોના મોત નૈનીતાલમાં મચેલી તબાહીમાં થયા છે. મૃતકોમાં ૧૪ યુપી અને બિહારના મજૂરો છે. જ્યારે ઝૂતિયા ગામમાં જ એક મકાનના કાટમાળમાં દીવાલ નીચે દબાઈ જવાથી પતિ પત્ની અને તેમના પુત્રના જીવ ગયા.

આ ઉપરાંત નૈનીતાલના જ ક્વારબમાં ૨, કેંચીધામ પાસે ૨, બોહરાકોટમાં ૨, જ્યોલીકોટમાં એક અને ભીમતાલના ખુટાનીમાં હલ્દુચૌડ રહીશ શિક્ષકના પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું. અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

અલ્મોડામાં છ લોકોના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યા છે. જ્યારે ચંપાવતમાં પાંચ અને પિથૌરાગઢ-બાગેશ્વરમાં પણ એક એક વ્યક્તિનું મોત થયું છે. બાજપુરમાં તેજ પ્રવાહમાં તણાઈ જવાના કારણે એક કિસાનનુ મોત થયું.

ઉત્તરાખંડના ડીજીપી અશોકકુમારે જણાવ્યું કે નૈનીતાલમાં ૨૫ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સમગ્ર પ્રદેશમાં કુલ ૪૦ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે મૃતકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર અપાશે. ઘર ગુમાવનારાઓને ૧.૯ લાખ રૂપિયા અપાશે, જે લોકોએ પશુધન ગુમાવ્યું છે તેમને પણ દરેક શક્ય મદદ કરાશે.

ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફત પર પીએમ મોદીએ ટ્‌વીટ કરીને શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વર્ષના કારણે લોકોના જીવ જવાથી હું વ્યથિત છું. ઘાયલ જલદી સાજા થાય. પ્રભાવિત લોકોની મદદ માટે બચાવ કાર્ય ચાલુ છે. હું તમામની સુરક્ષા અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું.

ઉત્તરાખંડમાં કુદરતી આફતને પગલે એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત કરાઈ છે. ઉધમસિંહ નગરમાં અત્યાર સુધીમાં ૩૦૦ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ઉધમસિંહ નગરમાં એનડીઆરએફની ૬ ટીમ, ઉત્તરકાશીમાં ૨ ટીમ, ચમોલીમાં ૨ ટીમ, દહેરાદૂનમાં ૧ ટીમ, હરિદ્વારમાં ૧ ટીમ, પિથોરાગઢમાં એક, નૈનીતાલમાં એક ફૂલ ટીમ અને એક સબ ટીમ, અલ્મોડામાં એક ટીમ તૈનાત કરાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.