નિકોલ દાગીનાની લુંટ કેસમાં ફરીયાદી જ મુખ્ય આરોપી નીકળ્યો: તમામ દાગીના રીકવર
ક્રાઈમ બ્રાંચે ત્રણ લુંટારૂને ઝડપી લીધાઃ એકને પકડવા ચક્રો ગતિમાન: દેવું થતાં લુંટનું નાટક કર્યું
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરનાં નિકોલ વિસ્તારમાં જ્વેલર્સનાં કર્મચારીની આંખમાં મરચું નાંખીને ૧૦ લાખથી વધુના દાગીના લુંટી લેવાની ઘટના ચાર દિવસ અગાઉ બની હતી. લુંટની ઘટના બનતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચ પણ સક્રિય થઈ હતી. અને ઘટનાનાં મૂળ સુધી પહોંચીને ફરીયાદ કરનાર કર્મચારી સહિત ૩ શખ્સોને ઝડપી લેવાયા છે. દેવું થઇ જતાં કર્મીએ જ પોતાનાં મિત્રો સાથે મળી સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે.
આ અંગેની વિગત એવી છે કે માણેકચોકમાં અહેમ જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન આવેલી છે. જેમાં સંકેતભાઈ વરદાજી ખટીક (૨૦) રામાપીરની ચાલી, અર્બન હેલ્થ સેન્ટર સામે, પ્રવિણનગર, વાસણા નામનો વ્યક્તિ નોકરી કરે છે. જે દાગીના લઇ સેલીંગ કરવાનું કામ કરે છે.
તા.૧૬ ઓક્ટોબરે સાંજે સંકેત ઉર્ફે ચીનુ મનછારામ નામનાં અન્ય કર્મચારી સાથે બપોરનાં સમયે ઈમ્પોર્ટેડ ચાંદીના ૧૦.૩૭ લાખનાં દાગીના લઈ સેલીંગ કરવા નીકળ્યો હતો. સાંજે નિકોલ સત્યમ પ્લાઝા આગળ તે એકલો હતો ત્યારે બે શખ્સો તેની આંખમાં મરચું નાંખીને દાગીના ભરેલી બેગ લુંટીને લઈ ગયા હતા. જેની ફરીયાદ ચીનુએ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ લુંટનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચના પીઆઈ સી.બી. સક્રિય હતા ત્યારે તેમની ટીમને ત્રણ શખ્સો વાસણા જીવરાજ ચાર રસ્તાથી દાગીના લઈ જવાનાં હોવાની બાતમી મળી હતી.
જેને પગલે તેમની ટીમે જીવરાજ હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી નિલેશ અશોકભાઈ ખટીક (શ્રીઓમનગર, વાસણા ચોકીની સામે, વાસણા), સતીષ સરદારભાઈ ઠાકોર (જુગલદાસની ચાલી, માધુપુરા) તથા સંકેત ઉર્ફે ચીન્ટુ વરદાજી ખટીકને એક એક્ટીવા સાથે ઝડપી લીધા હતા. તપાસમાં તેમની પાસેનાં થેલામાંથી લુંટ કરેલી ૯ કિલો ચાંદીના દાગીના મળી આવ્યા હતા. ઉપરાંત એક્ટીવા તથા ૩ મોબાઈલ પણ ક્રાઈમ બ્રાંચે જપ્ત કર્યા હતા.
કડક પૂછપરછમાં ૧૦ ઓક્ટો. નિલેશ સતીષ, સંકેત તથા શીવો દિક્ષીત એમ ચારેય પ્રેમ દરવાજા ઇદગાહ સર્કલ પાસે ભેગાં થયા હતાં. દરમિયાન ચારેયને માથે દેવું હોવાથી સંકેતે પોતે જ્વેલર્સનાં ત્યાં નોકરી કરતો હોવાથી દાગીના લુંટવાનો પ્લાન બનાવ્યો હતો. જે અનુસાર ઘટનાના દિવસે મંછારામ સાથે નીકળતાં પહેલા સંકેતે ત્રણેય સાગરીતોને ફોનથી જાણ કરી હતી. ત્યારથી પીછો કરતાં ત્રણેય તેમની પાછળ નિકોલ ડિમાર્ટ ખાતે પહોંચ્યા હતા.
જ્યાં મનછારામ ચામુંડા જ્વેલર્સમાં ઊઘરાણીના રૂપિયા લેવા ગયા ત્યારે નક્કી કર્યા મુજબ જ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અને દાગીના ભરેલો થેલા સાથે નિલેશ, સતીષ અને શીવો ફરાર થઇ ગયા હતા. ક્રાઈમ બ્રાંચે ફરાર શીવા દીક્ષીતને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.