Western Times News

Gujarati News

પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ઘરમાં લગાવી આગ, પાડોશના ૧૦ ઘર પણ સળગી ગયા

સતારા, લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોવાના કિસ્સા અવાર નવાર સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટનાની વાત કરવી છે કે જેમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં પતિએ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી અને આ ઘટના બાદ એક ઘરમાં લાગેલી આગ આજુબાજુના ૧૦ જેટલા ઘરોમાં પ્રસરી ગઇ હતી.

આ ઘટના મહારાષ્ટ્રના સતારાના પાટણની છે. આ ઘટનાની અંદર કોઈ વ્યક્તિને ઈજા થવા પામી નથી પરંતુ આ તમામ ઘરમાં રહેલો કરોડો રૂપિયાનો સામાન આગમાં બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના સતારા પાટણમાં સંજય પાટીલ નામનો વ્યક્તિ તેની પત્ની પલ્લવી સાથે રહે છે. જાેકે સોમવારે સંજયને તેની પત્ની પલ્લવી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સંજય ખૂબ જ રોષે ભરાઈ ગયો હતો. ઝઘડા બાદ પતિ કે પત્ની કોઈ સમજવા માટે તૈયાર ન હતા. સંજય અને પલ્લવીનો ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે, સંજય દ્વારા તેના પોતાના જ ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી.

સંજય દ્વારા પેટ્રોલ છાંટીને પોતાના જ ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી. સંજયના ઘરમાં લાગેલી આગ એટલી બધી વિકરાળ બની ગઈ હતી કે તે આજુબાજુના દસ ઘરમાં પણ ફેલાઈ હતી. આગના કારણે આસપાસના ૧૦ ઘરને નુકશાન થયું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરના કારણે આગ વધારે ફેલાઈ હતી. મહત્ત્વની વાત છે કે, આ ઘટનામાં કોઈ વ્યક્તિઓને ઈજા થવા પામી નથી કે કોઈ વ્યક્તિ દાઝ્‌યું નથી પરંતુ લોકોના ઘરમાં રહેલો કિંમતી માલ સામાન આગમા બળીને ખાખ થઈ ગયો હતો.

આ ઘટનામાં સંજય પાટીલના ઘરની આસપાસ રહેલા ૪ ઘરોને સૌથી વધારે નુકસાન થવા પામ્યું હતું. તો બીજી તરફ સંજયની આવી કરતૂતના કારણે પાડોશીઓમાં પણ રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા પાડોશીઓએ સંજયને પકડીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને સંજય પાટીલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તો આ ઘટનામાં પત્નીએ પણ તેના પતિ સંજય સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.