ડિલિવરી બોય બાઇક પાર્ક કરી પાર્સલ આપવા ગયો ત્યારે થેલો ચોરાઇ ગયો
અમદાવાદ, સેટેલાઇટ વિસ્તારમાં ડિલિવરી બોય બાઇક પાર્ક કરીને એક પાર્સલ આપવા ગયો ત્યારે કોઇ ગઠિયો તકનો લાભ લઇ અન્ય ૬૦ કસ્ટમર્સના પાર્સલ ભરેલો થેલો લઇને રફુચક્કર થઇ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વેજલપુરના કૃષ્ણધામ વિભાગ-૧માં રહેતા જિનલભાઇ ચૂડાસમાએ ચોરીની ફરિયાદ કરી છે. જિનલ છેલ્લા દોઢ વર્ષથી ઇ-કોમર્સ એક્સપ્રેસમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. જિનલ ઇ-કોમર્સની ઓફિસથી જે પાર્સલો આવે છે તે કસ્ટમર્સ સુધી પહોંચાડવાનું કામ કરે છે.
ગઇકાલે બપોરના ત્રણ વાગ્યે જિનલ તેની ઓફિસ પર ગયો હતો. ત્યારબાદ તે સેટેલાઇટ તેમજ અલગ અલગ વિસ્તારના કસ્ટમર્સને પહોંચાડવા માટેના ૬૦ પાર્સલ લઇને ગયો હતો, આ તમામ પાર્સલ સીલ પેક હતા. જિનલને પાર્સલમાં શું હતું તેની ખબર ન હતી. પાર્સલ પર માત્ર કોડ તથા કસ્ટમર્સના નામ-સરનામાં હતા.
જિનલ બાઇક લઇને સેટેલાઇટ વિસ્તારમાં પાર્સલ આપવા નીકળ્યો હતો. આ સમયે જિનલ હેતવી ટાવરમાં એક પાર્સલની ડિલિવરી માટે મેઇન ગેટ પાસે બાઇક પાર્ક કરીને ગયો હતો. તે એક પાર્સલ ડિલિવર કરવા લઇ ગયો હતો જ્યારે થેલામાં મુકેલા અન્ય કસ્ટમર્સના પાર્સલ બાઇક પર રહેવા દીધા હતા.
જિનલ જ્યારે પાર્સલની ડિલિવરી કરીને પરત તેની બાઇક પાસે આવ્યો ત્યારે કસ્ટમર્સના ૬૦ પાર્સલ ગાયબ જાેઇને તે ચોંકી ગયો હતો.
જિનલે આસપાસ તપાસ કરી, પરંતુ ૬૦ પાર્સલ ભરેલો થેલો મળી આવ્યો ન હતો. જિનલ જ્યારે પાર્સલ ડિલિવર કરવા ગયો ત્યારે કોઇ ગઠિયો તેના પાર્સલ ભરેલા થેલાની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. જિનલે અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ગઠિયાની શોધખોળ શરૂ કરી છે.