ભારતીય સેનાએ તવાંગ ખાતે આક્રમક તાલીમ શરૂ કરી

નવીદિલ્હી, છેલ્લા ઘણા સમયથી ચીન લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલમાં છમકલા કરી રહ્યું છે. ચીનની આ હરકતથી તંગ ભારતે અરુણાચલ પ્રદેશમાં આવેલી તેને સીમામાં બોફોર્સ તોપને તહેનાત કરી દીધી છે. અરૃણાચલ પ્રદેશમાં ચીન સાથેની એડવાન્સ ચોકીઓમાં બોફોર્સ તહેનાત કરાઈ છે.
ભારતીય સેનાએ ચીન સાથેની સરહદે રખેવાળી વધારી દીધી છે. ચીનની કોઈ પણ ચાલબાજીને જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાએ તૈયારી કરી લીધી છે. તેને માટે એડવાન્સ વિસ્તારોમાં બોફોર્સ તોપોને તૈનાત કરવામાં આવી છે.
ભારતીય સેનાએ એલએસી નજીકના પર્વતોમાં અપગ્રેડ કરેલી એલ૭૦ એન્ટી એરક્રાફ્ટ ગન પણ તૈનાત કરી છે. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે બે-ત્રણ મહિના પહેલા અરુણાચલ પ્રદેશમાં અનેક મહત્વપૂર્ણ સ્થળોએ અપગ્રેડ કરેલી એલ-૭૦ બંદૂકો તૈનાત કરવામાં આવી છે. આ શસ્ત્રોની વિશેષતા એ છે કે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. આ શસ્ત્રો ઓટોમેટિક ટાર્ગેટિંગ દ્વારા ચલિત થાય છે. તદુપરાંત તે તમામ પ્રકારના હવામાનમાં આગળ ઉભા રહીને દુશ્મનોને જવાબ આપવા સક્ષમ છે.
અરુણાચલ પ્રદેશને લઈને ચીન સાથે ભારતનો વિવાદ જૂનો છે. ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ માને છે અને તેનો દાવો કરે છે. ભારત સતત ચીનના અભિપ્રાયનો વિરોધ કરી રહ્યું છે અને અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવી રહ્યું છે. ચીને તાજેતરમાં દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે તેણે અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. ભારતે ચીનના નિવેદનની સખત નિંદા કરી હતી.HS