બીએમસીએ કોવિડ પર ૪૭૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો

મુંબઇ, વિવિધ પક્ષોના કૉર્પોરેટરોએ બીએમસીએ કોવિડ પર કરેલા ખર્ચની વિગતો માગી છે. સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ મુકાયેલી બે દરખાસ્ત દરમ્યાન આ માગણી રજૂ કરાઈ હતી. બીજેપીએ વાઇટ પેપરની માગણી કરી હતી તો કૉન્ગ્રેસે ઑડિટ રિપોર્ટ માગ્યો હતો અને સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅને આના પર વિગતવાર અહેવાલ સુપરત કરવાનો આદેશ કર્યો હતો.
સ્ટૅન્ડિંગ કમિટીમાં બીકેસી જમ્બો કોવિડ સેન્ટર ઉપર ૫૨ કરોડ રૂપિયા અને ૭૭ કરોડ રૂપિયાના ખર્ચ અંગેની બે દરખાસ્ત પર ચર્ચા થઈ હતી. દરખાસ્તમાં કોઈ વિગતો નહોતી. બીએમસીએ માર્ચ ૨૦૨૧ સુધીમાં કોરોના મહામારી પાછળ ૨૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને સ્ટૅન્ડિંગ કમિટીએ વધારાના ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચને આગોતરી મંજૂરી આપી હતી.
એમ છતાં બીએમસીએ વધુ પડતો ખર્ચ કર્યો હોવાથી અમે વાઇટ પેપર થકી ખર્ચ પરની વિસ્તૃત માહિતીની માગણી કરી હતી એમ બીજેપીના પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટે જણાવ્યું હતું. તેમણે ખર્ચ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
વિપક્ષના નેતા રવિ રાજાએ જણાવ્યું હતું કે ‘બીએમસીએ કોવિડ પર ૪૭૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. કૉર્પોરેશને સારી કામગીરી કરી હોવા છતાં આ ખર્ચો વાસ્તવિક ખર્ચ કરતાં દસગણો ન હોઈ શકે. અમે ખર્ચ અંગેનો ઝીણવટપૂર્વકનો ઑડિટ રિપોર્ટ માગ્યો છે.’
સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન યશવંત જાધવે ખર્ચ પર વિગતવાર અહેવાલ સુપરત કરવાનો આદેશ કર્યો હતો. બન્ને દરખાસ્તોને બાજુ પર રાખવામાં આવી હતી અને અહેવાલ આવ્યા બાદ એની ચર્ચા થશે. સ્ટૅન્ડિંગ કમિટીએ માર્ચમાં કરવામાં આવેલા ખર્ચ તેમ જ પહેલી લહેર વખતે થયેલા ખર્ચ જેને માન્યતા આપી દેવામાં આવી છે એ ખર્ચનો રિપોર્ટ પણ સુપરત કરવાની માગણી કરી હતી.
વહીવટી તંત્રએ વિગતો પૂરી પાડ્યા બાદ જૂનમાં દરખાસ્ત પસાર કરાઈ હતી.સ્ટૅન્ડિંગ કમિટીના તમામ સભ્યો બીએમસીના હેડક્વૉર્ટર પર હાજર હોવા છતાં મીટિંગ ઑનલાઇન જ યોજાઈ હતી. હાઈ કોર્ટે રૂબરૂ હાજરીનો આદેશ આપ્યો હોવા છતાં બીએમસી એનું પાલન નથી કરી રહ્યું. અમે કોર્ટના આદેશના અનાદરની પિટિશન દાખલ કરી છે અને સુનાવણી ટુંક સમયમાં થાય એવી અપેક્ષા છે તેમ ભાલચંદ્ર શિરસાટે જણાવ્યું હતું.HS