Western Times News

Gujarati News

અમદાવાદમાં કમળાના હજાર કેસઃ પ્રદુષિત પાણી જવાબદાર

દક્ષિણ અને પૂર્વઝોન પાણીજન્ય રોગચાળાના એ.પી.સેન્ટર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં પ્રદુષણની માત્રા વધુ હોય છે. જેના પરિણામે,સ્માર્ટસીટીમાં પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. શહેરના પ૦ ટકા વોર્ડમાં ડહોળુ અને દુર્ગધયુકત પાણી સપ્લાય થાય છે. સદ્‌ર સમસ્યાના નિવારણ માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ પરિણામ શૂન્ય છે.

શહેરમાં ઝાડાઉલ્ટી, કમળો, ટાઈફોઈડઢ અને કોલેરાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. અત્યંત જીવલેણ માનવામાં આવતા કોલેરાના રોગચાળાએ દક્ષિણ અને પૂર્વઝોનમાં આતંક મચાવ્યો છે. ચાલુ વર્ષે દરમ્યાન માત્ર દક્ષિણઝોનમાં જ પાણીજન્ય રોગચાળાના લગભગ બે હજાર કેસ નોધાયા છે. જે ઈજનેરખાતાની નિષ્ફળતા સૂચવે છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો કાબુ બહાર જઈ રહયો છે.

ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહીનામાં જ કમળાના એક હજાર કેસ નોધાયા છે. જેની સામે મચ્છરજન્ય રોગચાળો હાલ પુરતો નિયંત્રણમાં છે. વરસાદ ના એકાદ-બે ઝાપટા બાદ મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ પણ વધી શકે છે.
સ્માર્ટસીટી અમદાવાદમાં પ્રદુષિત પાણીની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. શહેર ના મોટાભાગના વિસ્તારોમાં પીવા યોગ્ય પાણી સપ્લાય થતા નથી. શ્રમજીવી વિસ્તારોમાંથી ડહોળા અને દુર્ગધયુકત પાણીની ફરીયાદો વ્યાપક પ્રમાણમાં બહાર આવે છે. જેના પરીણામે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. શહેરના દક્ષિણ અને પૂર્વઝોનને પાણીજન્ય રોગચાળાના એ.પી. સેન્ટર માનવામાં આવી રહયા છે.
દક્ષિણઝોનના બહેરામપુરા, દાણીલીમડા, વટવા, લાંભા તથા ઈસનપુર વોર્ડમાં પ્રદુષીત પાણી સપ્લાય થવાના પરીણામે રોગચાળો વકરી રહયો છે.

ચાલુ વર્ષ દરમ્યાન કમળાના ૧૦પ૦ કેસ નોધાયા છે. જે પૈકી દક્ષિણઝોનમાં ૩૭૪ પૂર્વઝોનમાં ૧૮ર ઉત્તરઝોનમાં ૧૭૭ તથા મધ્યઝોનમાં ૧પ૪ કેસ નોધાયા છે. દક્ષિણઝોનના લાંભા વોર્ડમાં કમળા ના ૪૪ વટવા માં પર, બહેરામપુરામાં પ૯ મણીનગરમાં ૩૮, ઈસનપુરમાં ૩૬ તથા દાણીલીમડા વોર્ડમાં પ૪ કેસ નોધાયા છે.

પૂર્વઝોનના અમરાઈવાડી વોર્ડમાંથી કમળના ૬૩ કેસ બહાર આવ્યા છે. ઉ.ઝોનના બાપુનગરમાં ૪૯ તથા મધ્યઝોનના અસારવા વોર્ડમાં કમળાના પ૩ કેસ નોધાયા છે. શહેરમાં છેલ્લા એક માસથી કોલેરાના રોગચાળાએ આતંક મચાવ્યો છે. ચાલુ વર્ષે દરમ્યાન કોલેરાના રર કેસ નોધાયા છે. જે પૈકી ર૧ કેસ મે મહીનામાં જ નોધાયા છે. કોલેરાના રોગચાળામાં પણ દક્ષિણ અને પૂર્વઝોન જ મોખરે છે. દક્ષિણઝોનમાં કોલેરાના દસ તથા પૂર્વઝોનમાં નવ કેસ નોધાયા છે.

દક્ષિણઝોનના દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં ત્રણ-ત્રણ અને લાંભા વોર્ડમાં બે કેસ નોધાયા છે. જાણકારોનું માનીએ તો લાંભા વોર્ડમાં કોલેરાના દસ કેસ નોધાયા છે. ર૦૧૯ના વર્ષમાં ટાઈફોઈડના રોગચાળા એ પણ માઝા મુકી છે. વર્ષના પ્રથમ પાંચ મહીનામાં જ ટાઈફોઈડના ૧પ૦૦ કરતા પણ વધારે કેસ નોધાયા છે. આ આંકડા ચોકાવનારી છે. સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમ્યાન ટાઈફોઈડ ના ૧ર૦૦ થી ૧૩૦૦ કેસ બહાર આવે છે. દક્ષિણઝોનમાં ટાઈફોઈડના ૩૬૮ અને પૂર્વઝોનમાંર૮૧ કેસ નોધાયા છે.

દક્ષિણઝોનના વટવા વોર્ડમાં ટાઈફોઈડના ૧૩૪,ઈસનપુરમાં ૬૧ તથા દાણીલીમડામાં પ૩ કેસ નોધાયા છે. જયારે મધ્યઝોનના અસારવા વોર્ડમાં પણ ટાઈફોઈડનો આતંક જાવા મળી રહયો છે. અસારવા વોર્ડમાં ટાઈફોઈડના ૧૧૭ કેસ નોધાયા છે.
શહેરમાં છેલ્લા બે-ત્રણ મહીનાથી મચ્છરજન્ય રોગચાળો થોડા ઘણા અંશે નિયંત્રણ હેઠળ છે. ચાલુ વર્ષેના પ્રથમ પાંચ માસ દરમ્યાન સાદા મેલેરીયાના ૭૪પ,ઝેરી મેલેરીયાના ૪૪, ડેન્ગ્યુ ના ૬પ તથા ચીકનગુનીયાના ૩ર કેસ બહાર આવ્યા છે.

ચોમાસાની સીઝન શરૂ થતા જ મચ્છરજન્ય રોગચાળામાં વધારો થવાની દહેશત છે. જુલાઈ અને ઓગષ્ટ માસમાં મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કેસમાં વધારો થાય તેવી શકયતા છે. જયારે સપ્ટેમ્બરથી ડીસેમ્બર ના સમયગાળા દરમ્યાન ડેન્ગ્યુ અને ચીકનગુનીયા ના કેસ વધી શકે છે.

આગામી પાંચ-છ મહીનામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થવાની દહેશત હોવા છતાં હેલ્થ કમીટીએ સીંગલ ટેન્ડર ના કારણો દર્શાવી કોલ્ડ ફોગીગ મશીનની દરખાસ્ત પરત કરી છે. તેથી ચાલુ વર્ષમાં નવા મશીનની અપેક્ષા રાખવી અયોગ્ય છે. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે હેલ્થ કમીટી એ આઈ.આર. સ્પ્રે માટે મંજૂરી આપી છે.

દર વર્ષે સાડા આઠ લાખ મિલકતોમાં આઈ.આર.સ્પ્રેનો છંટકાવ કરવામાં આવે છે. જયારે ચાલુ વર્ષે માત્ર અઢી લાખ  મિલ્કતોમાં આઈ.આર.સ્પ્રે છંટકાવ ની મંજૂરી આપવામાં આવી છે. જે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.! શહેરમાં પ્રદુષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની વકરી રહેલી સમસ્યા અંગે મ્યુનિ. કોગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, મ્યુનિ. કમીશ્નર અને હોદેદારોને માત્ર પ્રચાર-પ્રસારમાં રસ છે.

પ્રજાની સમસ્યાના ઉકેલમાં કોઈને રસ નથી. સાબરમતીનું શુધ્ધિકરણ કરવામાં આવી રહયું છે. તે આવકારદાયક છે.  પરંતુ શહેરના નાગરીકોને પણ શુધ્ધ પાણી મળે તે દિશામાં પણ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે. પ્રદુષિત પાણીની સમસ્યા માટે છેલ્લા પાંચ વર્ષથી ફરીયાદો થઈ રહી છે. પરંતુ તેના નિરાકરણ કરવામાં તંત્ર કે શાસકોને લેશમાત્ર રસ નથી. મ્યુનિ.કમીશ્નર દર મહીને અલગ-અલગ ઈવેન્ટો કરી રહયા છે. પ્રજાલક્ષી કામો માટે પણ કમીશ્નરે ઈવેન્ટ કરવી જરૂરી છે.
મધ્યઝોનની પોળો કે દક્ષિણ અને પૂર્વઝોનની શ્રમજીવી વસાહતોમાં જઈને સાબરમતી શુધ્ધિકરણની જેમ પ્રદુષીત પાણીની સમસ્યા માટે પણ કમીશ્નર “શ્રમયજ્ઞ”નું આયોજન કરે તેવી માંગણી પણ તેમણે કરી હતી !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.