વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગ્રામ વિસ્તારના કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
(માહિતી) વડોદરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધિરકુમાર દેસાઈના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં આતિશબાજી,રંગોળી સુશોભન અને ફુગ્ગા ઉડાડી ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે છેલ્લા દશ મહિના થી સતત કોરોના રસી આપવાની અને લોકોમાં જાગૃતિ આણવાની જહેમત ઉઠાવી રહેલા સરકારી આરોગ્ય કેન્દ્રોના તબીબો અને આરોગ્ય કર્મચારીઓનું ઋણ સ્વીકાર અભિવાદન કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી અશોકભાઈ પટેલે કોરોના ની સારવાર અને રસીકરણમાં જિલ્લા આરોગ્ય પરિવારની નિષ્ઠા ભરેલી સેવાઓને બિરદાવી હતી.
કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ વતી તબીબી અધિકારી ડો જિતેન રાણા તથા વરણામા અને પોર આરોગ્ય કેન્દ્રો ની ટીમોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન,તાલુકા આરોગ્ય અધિકારી ડો.નીરજ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જણાવ્યું કે આજે જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં રંગોળી પૂરીને અને અન્ય રીતે ૧૦૦ કરોડ લોકોને રસીની સિદ્ધિ ની ઉજવણી કરવામાં આવી હતી.