મ્યુનિ.કોર્પાેરેશનની મિલ્કતોમાં બ્રીડીંગ મળવા છતાં કાર્યવાહી ન થઈ
નિયમોનો અમલ કરવાની જવાબદારી માત્ર નાગરિકોની જ હોય તેવી ચર્ચા: ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓનાં ઘરની સર્વેમાંથી બાદબાકી |
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે. કાયદાનું પાલન કરવાની જવાબદારી માત્ર નાગરીકોને જ હોય તે પ્રમાણે તંત્ર કામ કરી રહ્યું છે. મચ્છરોની ઉત્પત્તિ અને રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ઘણાં સમયથી ચાલી રહેલ સર્વે કામગીરીમાં બ્રીડીંગ મળવા બદલ અનેક એકમોને સીલ કરવામાં આવ્યાં છે. તથા લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે મ્યુનિ.કોર્પાેરેશન તથા સરકારી ઓફિસોમાં મચ્છર બ્રીડીંગ મળ્યા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. નોંધનીય બાબત એ છે કે તંત્રએ હજી સુધી આઈએએસ, આઈપીએસ તથા રાજકીય નેતાઓનાં ઘરે આ પ્રકારની કોઈ જ કામગીરી કરી નથી.
શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે.
જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડીંગ મળ્યા હોવા છતાં દંડ કે સીલીંગની કાર્યવાહી થઈ નથી. મ્યુનિ.કોર્પાેરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ સર્વે દરમ્યાન સારંગપુર બસ ટર્મિનલ (એએમટીએસ), પ્રહલાદનગર પંપીગ સ્ટેશન, આનંદનગર પંપીગ સ્ટેશન, ખાડિયા સ્વિમિંગ પુલ, ઉત્તમનગર વોટર પંપીગ, એલ.જી.હોસ્પિટલ, બોડકદેવ ઝોનલ ઓફિસ, બીએસએનએલ ઓફિસ ચાંદલોડિયા, રાજપુર પોલીસ લાઈન પંપીગ સ્ટેશન વગેરે સરકારી ક્ચેરીઓમાંથી મચ્છર બ્રીડીંગ મળ્યા હોવા છતાં કોઈ જ પ્રકારનો દંડ લેવામાં આવ્યો નથી તથા માત્ર નોટીસ આપીને સંતોષ માનવામાં આવ્યો છે. આમ, બ્રીડીંગ મળવા છતાં દંડ અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી નથી જે બાબત ચર્ચાનો વિષય બની છે.
મ્યુનિ.કોર્પાેરેશનની સર્વે કામગીરીમાંથી આઈએએસ અને આઈપીએસ જેવાં ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય, સાંસદો અને મ્યુનિ.હોદ્દેદારોને મુક્તિ આપવામાં આવી હોય તેમ લાગે છે. મેલેરીયા વિભાગ દ્વારા છેલ્લાં એક મહિનાથી સર્વેના જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં છે તેમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓને ત્યાં સર્વે થયા હોય કે બ્રીડીંગ મળ્યાં હોય તેવો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લગભગ ૩ વર્ષ પહેલાં એક આઈપીએસ અધિકારી તેમજ તત્કાલિન મ્યુનિ.કમિશનરના ઘરેથી જ મચ્છર બ્રીડીંગ મળ્યાં હતાં. તથા તે બાબત જાહેર થઈ જતાં તત્કાલિન કમિશનરને અનેક ખુલાસાં કરવા પડ્યા હતાં તથા સર્વેનું કામ કરનાર મેલેરીયા વર્કસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેનાં કારણે મ્યુનિ.આરોગ્ય અધિકારી અને મેલેરીયા વિભાગના ઉચ્ચ અધિકારી ખુરશી બચાવવા માટે આ લોકોના ત્યાં સર્વે કરતાં નથી તથા તમામ પ્રકારના નીતિ-નિયમો માત્ર પ્રજા માટે બનાવ્યાં હોય તેમ આડેધડ દંડ વસૂલ કરી આર્થિક અત્યાચાર કરી રહ્યાં છે. મ્યુનિ.હેલ્થ કમિટીમાં પણ મેલેરીયા વિભાગની દંડનીતિ સામે ચેરમેને આક્રોશ વ્યક્ત કર્યાે હતો. તથા મનસ્વી રીતે દંડ વસૂલ કરવાને લીધે ચોક્કસ નીતિ બનાવવા માટે સૂચના આપી હતી તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.