છાપીમાં ૩૦૭ લોકોને પ્લોટો તેમજ મકાનોના દબાણો હટાવવા આદેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
છાપી, વડગામ તાલુકાના છાપીના જ્યોતિનગરમાં આવેલ સર્વે નબર ૨૭૪માં ગેરકાયદેસર દબાણ કરી કુલ ૩૦૭ ઈસમોએ પાકા મકાનો બનાવી તેમજ પ્લોટો ઉપર કબ્જાે કરી દબાણો કરનાર વિરુદ્ધ ડે.સરપંચ દ્વારા રજૂઆતો કરાતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ટીડીઓ વડગામને તા.૨૮-૧૦-૨૦૨૧ સુધીમાં દબાણો હટાવી અહેવાલ રજૂ કરવા આદેશ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ છાપીના જ્યોતિનગરમાં આવેલ સર્વે નંબર ૧૧૪ પૈકી નવો સર્વે નંબર ૨૭૪ શ્રી સરકાર ખાતે ચાલે છે જેમાં આકારણી રજીસ્ટાર નંબર ૫૦૬૩થી ૫૨૯૯, ૬૩૦૦થી ૬૩૬૯ સુધીમાં કુલ ૩૦૭ પ્લોટો ઉપર કેટલાક ઈસમો દ્વારા બિનપરવાનગીએ દબાણો કરી પાકા મકાનો તેમજ પ્લોટો ઉપર કબ્જા કર્યા હતા
જે છાપી પંચાયતના રજીસ્ટરે નોંધાયેલ છે જેના વિરુદ્ધમાં પંચાયતના ડે.સરપંચ ફજલુરહેમાન સુલેમાન નેદરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી દબાણો હટાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. જેથી અરજીની ગંભીરતાને લઇ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તેમના તા ૨૪-૧૦-૨૦૨૧ પત્રથી
તાલુકા વિકાસ અધિકારીને લેખિત હુક્મ કરી તા.૨૮-૧૦-૨૦૨૧ સુધીમાં તમામ દબાણો હટાવી આધઆર સહ પૂરાવા સાથે અહેવાલ રજૂ કરવા આદેશ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ બાબતે અરજી કરનાર ફજલુરહેમાને મીડિયાને જણાવ્યું હતું કે, દબાણ બાતે છેલ્લાં ત્રણ વર્ષથી લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેને મોડે મોડે ન્યાય મળ્યો છે.