હવે રૂપિયા એકમાં નહીં પણ બેમાં મળશે માચિસનું બોક્સ
મદુરાઈ, અત્યાર સુધી તમે એક રુપિયામાં માચિસનું બોક્સ ખરીદતા હતા, પરંતુ ચૌદ વર્ષ પછી તેની કિંમતમાં પણ વધારો થવાનો છે. માચિસ બનાવતી પાંચ મોટી કંપનીઓના અધિકારીઓએ સર્વસંમતિથી ર્નિણય લીધો છે કે પહેલી ડિસેમ્બરથી માચિસની કિંમતમાં એક રુપિયાનો વધારો કરવામાં આવશે. માટે હવે માચિસનું બોક્સ એક નહીં પણ બે રુપિયામાં મળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭માં માચિસની કિંમતમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
ગુરુવારના રોજ સિવાકાસી ખાતે ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચિસની મીટિંગ દરમિયાન આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા લોકોએ જણાવ્યું કે, તાજેતરમાં માચિસના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલની કિંમતમાં વધારો થવાને કારણે ભાવવધારાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઉત્પાદકોનું કહેવું છે કે, માચિસ તૈયાર કરવા માટે ૧૪ પ્રકારના કાચા માલની જરુર પડે છે.
રેડ ફોસ્ફરસની કિંમત ૪૨૫ રુપિયા પ્રતિ કિલોથી વધીને ૮૧૦ રુપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. વેક્સની કિંમત ૫૮થી વધીને ૮૦, બોક્સના બહારના ભાગની કિંમત ૩૬થી વધીને ૫૫, ઈનર બોક્સ બોર્ડની કિંમત ૩૨થી વધીને ૫૮ થઈ ગઈ છે. પેપર, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરના ભાવમાં પણ ૧૦મી ઓક્ટોબરથી વધારો થયો છે. આ સિવાય ડીઝલની કિંમતોમાં થઈ રહેલા વધારાને કારણે પણ ઉત્પાદનનો ખર્ચ ઘણો વધી ગયો છે.
નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના સેક્રેટરી વી.એસ.સેતુરાથીનમે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ઉત્પાદકો અત્યારે માચિસના ૬૦૦ બોક્સનું એક બન્ડલ ૨૭૦થી ૩૦૦ રુપિયામાં વેચે છે. એક બોક્સમાં ૫૦ સળીઓ હોય છે. અમે વેચાણ કિંમતમાં લગભગ ૬૦ ટકા વધારો કરવાનો ર્નિણય લીધો છે. જેનાથી એક બંડલની કિંમત ૪૩૦-૪૮૦ રુપિયા થઈ જશે. આમાં ટ્રાન્સપોર્ટેશન અને જીએસટી ઉમેરવામાં નથી આવ્યા.
માત્ર તમિલનાડુની વાત કરીએ તો, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લગભગ ચાર લાખ લોકો માચિસ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા છે અને તેમાં ૯૦ ટકાથી વધારે મહિલાઓ છે. પગાર ઓછો મળતો હોવાને કારણે ઘણાં કારીગરો કામ છોડીને જતા રહે છે અને ખેતરોમાં કામ કરવાનું પસંદ કરે છે. માટે ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા લોકોને આશા છે કે, કારીગરોને પૂરતો પગાર આપવામાં આવશે તો તેમને આ કામમાં રસ જળવાયેલો રહેશે.SSS