ગુજરાતના ૨૦૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ
ભારે વરસાદ વચ્ચે ૯૯ જળાશયો છલકાઈ ગયા
અમદાવાદ, ગુજરાત રાજ્યમાં હજુ સુધી ૧૨૬.૧૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે, પરિણામે રાજ્યના ૯૯ જળાશયો છલકાયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૯૫૩ મી.મી. એટલે કે સરેરાશ ૧૩૭.૭૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૫૮ મી.મી. એટલે કે સરેરાશ ૧૧૭.૯૭ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૮૩૧ મી.મી. એટલે કે સરેરાશ ૧૨૫.૩૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૮૬ મી.મી. એટલે કે સરેરાશ ૯૯.૬૯ ટકા અને કચ્છ રીજિયનમાં ૫૭૯ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૪.૫૮ ટકા વરસાદ વરસ્યો છે.
આમ રાજ્યમાં સરેરાશ કુલ ૧,૦૨૯.૫૪ મી.મી. એટલે કે, સરેરાશ ૧૨૬.૧૭ ટકા વરસાદ થયો છે તેમ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે. રાજ્યમાં ૧૨૬ ટકાથી વધુ સરેરાશ વરસાદ થવાથી રાજ્યના કુલ ૨૦૪માંથી ૯૯ જળાશયો છલકાયા છે. તા. ૨૫ સપ્ટેમ્બર-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર જળાશયમાં ૩,૨૯,૧૮૯.૪૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૮.૫૪ ટકા છે.
૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૧.૨૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭.૬૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૭.૩૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૫૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૬.૮૦ ટકા પાણીના સંગ્રહ સાથે રાજયના કુલ-૨૦૪ જળાશયોમાં ૫,૦૫,૭૧૪.૩૩ એમ.સી.એફ.ટી. મીટર ઘનફૂટ એટલે કે ૯૦.૮૪ ટકા પાણીનો સંગ્રહ છે.