Western Times News

Gujarati News

એવું તે શું હતું કે, પતિ જ અન્ય સ્ત્રીઓના ફોટા પત્નીને કેમ મોકલતો હતો

પ્રતિકાત્મક

પત્નીએ પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવી-પતિએ પત્ની ખુરશી સાથે બાંધી માર માર્યો-ગુપ્ત ભાગે ડિસમિસના ઘા માર્યા હતા, ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં પતિની હેવાનિયત સામે આવી છે. પત્નીએ પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યા છે કે, પતિએ તેને ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસના ઘા માર્યા હતા. તેટલામાં ઓછું હોય તેમ પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

બોપલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિ લોકેન્દ્ર ભંડારીની ધરપકડ કરી છે. જે અમદાવાદ અને બેંગ્લોરમાં સ્પા સેન્ટરના વ્યવસાય સાથે જાેડાયેલો છે. લોકેન્દ્ર વિરુદ્ધ તેની જ પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે.

પરણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, પતિ લોકેન્દ્રના અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા અને તેનો વિરોધ નોંધાવતા પત્નીને ખુરશી સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો. સાથે જ ગુપ્ત ભાગે ઈજા પણ પહોંચાડી હતી. પરણિતા જ્યારે સૂતી હતી ત્યારે ઓશિકાથી મોંઢુ દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું કે, ૧૬ વર્ષ પહેલા તેના લગ્ન લોકેન્દ્ર સાથે થયા હતા. પરંતુ સ્પાના વ્યવસાયમાં જાેડાયા બાદ અન્ય સ્ત્રીઓ સાથે તેના સંબંધો અંગે જાણ થઈ હતી. હદ તો ત્યારે થઇ કે જ્યારે પતિએ જ અન્ય ત્રણ સ્ત્રીઓના ફોટા મોકલી પત્ની પાસે અભિપ્રાય માંગ્યો કે આમાંથી કઈ સ્ત્રી સારી છે. જેનો વિરોધ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, અને તે ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો હતો.

આ વિશે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યું કે, બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ, હત્યાના પ્રયાસ અને દહેજ પ્રતિબંધિત અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદીના મેડિકલ પરીક્ષણ કરાવી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે. સાથે જ ફરિયાદીએ લગાવેલા આક્ષેપો સાચા છે કે ખોટા તે જાણવા પરિવારજનો અને પાડોશીના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.