નજીવી બાબતનું બહાનું કાઢી સ્કૂલે વિદ્યાર્થીને કાઢી મૂક્યો
સ્કૂલે બચાવમાં કહ્યું, અગાઉ વિદ્યાર્થીને સૂચના આપી હતી
અમદાવાદ, આજકાલ અલગ-અલગ પ્રકારની હેરસ્ટાઈલની ફેશન છે. સેલિબ્રિટીઝ ફંકી કે ટ્રેન્ડમાં હોય તેવી હેરસ્ટાઈલ કરાવતાં હોય છે. ત્યારે પોતાના મનગમતા સેલિબ્રિટીને જાેઈને બાળકો કે યુવાનો પણ તેમનું અનુસરણ કરે છે.
જાેકે, એક વિદ્યાર્થીને આવી ફંકી હેરસ્ટાઈલ રાખવાનું ભારે પડ્યું છે. ગોતાની એક સ્કૂલમાં શનિવારે વાલીએ કરેલી ફરિયાદના કારણે ઉહાપોહ મચ્યો હતો. વાલીએ દાવો કર્યો હતો કે, તેમના દીકરાને હાલ ચાલી રહેલી પરીક્ષામાં બેસવા ન દેવામાં આવ્યો કારણકે તેની હેરસ્ટાઈલ અયોગ્ય હતી.
સ્કૂલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક પદાધિકારીનો દાવો છે કે, વાલી દ્વારા મૂકવામાં આવેલા આરોપ ખોટા છે. પદાધિકારીનું કહેવું છે કે, વાળ વ્યવસ્થિત કાપેલા હોવા જાેઈએ નહીં તો સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે, તેવી આગોતરી જાણ વિદ્યાર્થીને કરી દેવામાં આવી હતી. આમ છતાં વિદ્યાર્થીએ સૂચનાનું પાલન નહોતું કર્યું, જેથી તેને સ્કૂલના પ્રાંગણમાં પ્રવેશ નહોતો અપાયો, તેમ પદાધિકારીએ ઉમેર્યું.
દરમિયાન, આ વિદ્યાર્થીના વાલીનું કહેવું છે કે, સ્કૂલનું વલણ પક્ષપાતથી ભરેલું છે. સૂત્રોનું માનીએ તો, અગાઉ આ વિદ્યાર્થીની પાછલી ફી બાકી હોવાથી પણ તેને સ્કૂલમાંથી કાઢી મૂકાયો હતો. વિદ્યાર્થીના વાલીએ પોતાનો પક્ષ મૂકતાં કહ્યું, “મારા દીકરાને ઓછામાં ઓછું પરીક્ષામાં બેસવાની પરવાનગી તો આપવા જેવી હતી.
સાવ આવી નાની બાબતે સ્કૂલે તેને પરીક્ષામાંથી કાઢી મૂકીને ખોટું કર્યું છે. ક્લાસમાં બીજા પણ એવા વિદ્યાર્થીઓ હતા જેમની હેરસ્ટાઈલ મારા દીકરા જેવી હતી પણ તેમને પરીક્ષામાં બેસવા દેવાયા હતા. આ પક્ષપાત નથી તો બીજું શું છે.