વ્યાજખોરોના ત્રાસ: ૧ લાખના ૩૫.૬૮ લાખ યુવકે ચૂકવી દીધા
વ્યાજખોરોના ત્રાસથી નિકોલના યુવકે છોડ્યું ઘર-બે વ્યાજખોરો યુવક પાસે ઉઘરાણી કરીને ત્રાસ આપતા હતા. જેથી કંટાળી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા યુવકે એક વ્યાજખોર પાસેથી ૫ વર્ષ પહેલા રૂપિયા ૧ લાખ લીધા હતા. જેના અત્યાર સુધી ૧૮.૭૦ લાખ ચૂકવી આપ્યા હતા. જ્યારે બીજા વ્યાજખોર પાસેથી ૧ લાખના ૩૫.૬૮ લાખ ચૂકવી આપ્યા હતા. છતાં બે વ્યાજખોરો યુવક પાસે ઉઘરાણી કરીને ત્રાસ આપતા હતા. જેથી કંટાળી યુવકે ઘર છોડી દીધું હતું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ઓઢવ પોલીસે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં જસ્મિન પટેલ પરિવાર સાથે રહે છે અને દુકાન ચલાવે છે. ૫ વર્ષ પહેલા જસ્મિને પોતાની સોસાયટીમાં રહેતા અને ફાઈનાન્સનું કામ કરતા રાજુ મિશ્રા પાસેથી જરૂરિયાત હોવાથી ૧ લાખ રૂપિયા લીધા હતા. રોજ ૨ હજાર રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો પરંતુ વ્યાજ નહીં લઉં તેવું તેણે જસ્મિનને કહ્યું હતું.
ત્યારબાદ રાજુ મિશ્રા વારંવાર જસ્મિન પાસે પૈસા માગતો હતો પરંતુ, જસ્મિન પાસે પૈસા નહીં હોવાથી તેણે આપ્યા નહોતા. જેથી રાજુએ તેને ધમકી આપી હતી. જસ્મિને ટુકડે-ટુકડે રાજુને રૂપિયા ૨ લાખ ચૂકવી આપ્યા હતા છતાં તે ઉઘરાણી કરવા લાગ્યો હતો. રાજુ ઉઘરાણી કરવા ઘરે આવ્યો હતો. આખરે જસ્મિને પિતાને વાત કરી હતી. પછી, જસ્મિનના પિતાએ ૨૦૧૯માં રાજુને ૬.૪૦ લાખ, ૧ માર્ચ ૪ લાખ રોકડા આપ્યા હતા. પછી ધીરે-ધીરે વ્યાજ સહિત ૧૮.૭૦ લાખ ચૂકવી આપ્યા હતા.
આ દરમિયાન ઉમંગ પંચાલ પાસેથી ૧ લાખ વ્યાજે લીધા હતા. જેના રોજ ૨ હજાર રૂપિયા જસ્મિન ચૂકવી આપતો હતો. જેના ટુકડે-ટુકડે ૧૫ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. ઉપરાંત, ઉમંગે એક્ટિવા જસ્મિનના નામે છોડાવીને લઈ લીધું હતું અને તેના હપ્તા પણ જસ્મિન જ ભરતો હતો. ત્યારબાદ ધીરે-ધીરે ઉમંગને પણ ૩૫.૬૮ લાખ ચૂકવી આપ્યા હતા.
તેમ છતાં વ્યાજખોરોએ ઉઘરાણી કરતા તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ જસ્મિન ઘરેથી જતો રહ્યો હતો. પરિવારે આ મામલે ગુમ થવા બાબતે ફરિયાદ કરી હતી. બીજી બાજુ વ્યાજખોરના ત્રાસથી જસ્મિન ઘર છોડી કેનાલ પર પહોંચ્યો હતો અને ઉધઈ મારવાની દવા પી લીધી હતી. આ અંગે પરિવારને જાણ થતાં જસ્મિનને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી જસ્મિનને રજા આપતા તેણે રાજુ મિશ્રા અને ઉમંગ પંચાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.