કોંગ્રેસને કોમામાંથી બેઠી કરવા ગાંધી પરિવાર સક્રિય
પ્રિયંકાએ જાતિગત રાજનીતિના ગઢ ઉત્તરપ્રદેશમાં મહિલા મતોને આકર્ષવા દમદાર શરૂઆત કરી છે
અનેક રાજયોમાં કોંગ્રેસમાં પ્રવર્તમાન આંતરિક જૂથબંધીને ડામવાના પ્રયાસો શરૂ- અનેક નેતાઓ નારાજ-ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે જાેડાણ કરવા માટે કેટલાક નેતાઓ સક્રિય
કોંગ્રેસ માટે ઉત્તરપ્રદેશમાં વકરો એટલો નફો છે. માત્ર ૭ બેઠકો ધરાવતો પક્ષ હવે વધુ શું ગુમાવવાનો ?
કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક રાજયો હસ્તગત કરતા કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ મચી છે. કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જાેડાયા છે જયારે પાયાના કાર્યકરોએ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી પર સવાલો ઉઠાવતા બે જૂથ સામસામે આવી ગયા છે
આ પરિસ્થિતિમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ફરી એક વખત સોનિયા ગાંધી મેદાનમાં આવ્યા છે અને તાજેતરમાં જ યોજાયેલી કોંગ્રેસ વર્કિગ કમીટીની બેઠકમાં આકરા તેવર બતાવ્યા હતા. ગાંધી પરિવાર સામે આંગળી ચીંધનાર કોંગ્રેસના અગ્રણીઓને જવાબ આપ્યો હતો આ ઉપરાંત આગામી દિવસોમાં કોંગ્રેસને મજબુત કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે.
ગાંધી પરિવારમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી પોતે પણ સક્રિય બનતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળી રહયો છે આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બની મહિલા મતદારોને આકર્ષવા માટે ૪૦ ટકા ટિકિટો મહિલાઓને આપવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આગામી દિવસોમાં કોંગ્રેસની લોકપ્રિયતાની પારાશીશી મપાઈ જશે તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ ઉપરાંત સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટી કેવો દેખાવ કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે ગુમાવવાનું હતું એ બધુ જ ગુમાવી દીધું છે. ૪૦૩ બેઠકોની ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર ૭ ધારાસભ્યો છે. ભાજપે ૩૧ર અને સમાજવાટી પાર્ટી ૪૭ બેઠક જીતી છે. આ એ રાજય છે, જયાં ૧૯પ૧ની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે ૩૮૮ બેઠકો જીતેલી.
હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં ૮૦ બેઠકોનો દબદબો ધરાવતા ઉત્તરપ્રદેશમાં જેનો પનો ટૂંકો પડે તે દિલ્હીમાં રાજગાદી મેળવી શકતા નથી, રાજકીય પડતીના આ ગણિતને બધા પક્ષો બરાબર જાણે છે. એટલે જ કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રિયંકાના નામે તમામ પ્રતિષ્ઠા દાવ પર લગાડી છે.
રાહુલને પપ્પુ કહીને ઉતારી પાડતા ભાજપના બટકબોલા નેતાઓ પ્રિયંકાને પોલિટિકલ ટૂરિસ્ટ ગણાવી મેડમ, પર્યટન ઉપર આવ્યા છે તેવી કોમેન્ટ કરે છે. પ્રિયંકા ખુદ જાણે છે કે તેનો જંગ આસાન નથી, કોંગ્રેસની સ્થિતિ અહી આઈસીયુમાં રહેલા દર્દી જેવી છે, વેન્ટિલેટર ઉપર પક્ષ ચાલે છે. “માના અંધેરા ઘના હૈ, પર દિયા જલાના કબ મના હૈ” પુરી કોંગ્રેસ જાણે છે કે હવે અસ્તિત્વનો સવાલ છે. આવા સમયે પક્ષ પાસે મર્યાદિત વિકલ્પો છે. પરિવારવાદના જે તીર ફેંકવામાં આવે છે ત્યારે પરિવારના સભ્ય માટે ખુદને સાબિત કરવાનો આ સમય છે.
પ્રિયંકાનો કરિશ્મા લોકસભાની ચૂંટણીમાં બિલકુલ ચાલ્યો નથી પરંતુ આ વખતે લખીમપુર ખીરીની ઘટનામાં તેને નેતૃત્વનું ટોનિક મળ્યું છે. પીડિતોની સાથેની સંવેદનાપૂર્ણ છબી અને સરકાર સામેના આક્રોશામં પ્રિયંકાએ લીધેલી લીડથી અને હાથરસ કાંડમાં જુસ્સેદાર પ્રદર્શન પછી પ્રિયંકા આ રીતે આખો મોરચો સંભાળશે તેવી કલ્પના તેના વિરોધીઓને પણ ન હતી.
રાજકારણમાં નવા સંજાેગો, નવી તકો મળતી રહેતી હોય છે. આ ઘટનાક્રમથી કોમામાં સૂતેલી ઉત્તરપ્રદેશ કોંગ્રેસ આંખ ખોલે એટલી પ્રગતિ તો જરૂર થઈ છે. પ્રિયંકાએ વિધાનસભા ચૂંટણીમાં ૪૦ ટકા બેઠકો મહિલાઓને આપવાની જાહેરાત કરી છે. દરેક બેઠક માટે તેમણે મહિલાઓ પાસે આવેદનપત્રો મંગાવ્યા છે.
આ એક પ્રયોગ છે અને નવા નવા પ્રયોગોમાંથી જ કોઈ પ્રયોગ માસ્ટરસ્ટ્રોક બની જાય છે, ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથને ભાજપે નેતૃત્વ સોંપ્યું, હમણા રાજયોમાં મુખ્યમંત્રીઓ બદલ્યા, કેટલાક ‘હટકર’ નિર્ણયો બદલાવ માટે અનિવાર્ય હોય છે. એકધારી પ્રણાલિઓએ કોંગ્રેસને બંધિયાર બનાવી દીધી છે ત્યાર ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસમાં નવી આબોહવા આવી રહી છે.
ગત ચૂંટણીમાં ડૂબતી સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવી કોંગ્રેસે અગાઉની ર૧ બેઠકો પણ ગુમાવેલી આ આત્મઘાતી પગલું હતું, વિવેચકો માને છે કે જાે રાહુલે અખિલેશ યાદવ સાથે રાજકીય ભાઈબંધી ના કરી હોત તો કોંગ્રેસને ૭થી તો વધુ બેઠકો જરૂર મળી હોત, પણ રાહુલબાબા અને કોંગ્રેસની આ કાંઈ અકે ભૂલ થોડી છે.
સિતારા ગર્દિશમા હોય ત્યારે ત્રૂટિઓની યાદી બહું લાંબી હોય છે. ઉત્તરપ્રદેશમાં ૪૯ બેઠકો એવી છે. જયા કોંગ્રેસ બીજા નંબરે રહેલી. આગામી ચૂંટણીમાં આ બેઠકોને પ્રિયંકાએ અન્ડરલાઈન કરી છે.
કોંગ્રેસ માટે સૌથી મોટી મુસીબત ટિકિટોની ફાળવણી છે, દરેક ચૂંટણીમાં ‘પાર્ટી લીધીન પાર્ટી’ જેવી કોંગ્રેસમાં કાર્યકરોને બદલે ચાટુકારો જ ટિકિટ મેળવી જતા હોવાના ઓપન સિક્રેટે પાર્ટીને કાર્યકરોથી દૂર કરી દીધી છે.
આવા સમયે પ્રિયંકાએ જાતિગત રાજનીતિના ગઢ ઉત્તરપ્રદેશમાં મહિલા મતોને આકર્ષવા દમદાર શરૂઆત કરી છે. ઉત્તરપ્રદેશમાં ‘લડકી હું, લડ સકતી હું’ સૂત્રને રિલીઝ કરાયું છે. પ્રિયંકાએ ટિકિટ ભુખ્યા નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તમને તક આપી ને હારવા કરતા તો નવી પેઢી ઉપર દાવ લગાવવો બહેતર છે. પ્રિયંકાએ ઉત્તરપ્રદેશ કોંગ્રેસની કમાન પૂર્વ યુ.પી.ના કાનૂ જાતિના અજયકુમાર લલ્લુને સોંપી છે. સામાજિક ન્યાય માટે પછાત જાતિઓમાં તે જાણીતો ચહેરો છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ વચન આપ્યું છે કે જાે કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટરપાસ યુવતીઓનેસ્માર્ટ ફોન અને ઈલેકિટ્રક સ્કૂટી આપવામાં આવશે. ભાજપ તેની મજાક ઉડાવતા કહે છે કે પ્રિયંકા ગાંધી ખુદ જાણે છે કે તેની સરકાર આવવાની નથી એટલે જેટલા વાયદા કરવા હોય તે કરી શકે છે.
માયાવતીએ પ્રિયંકાના વચનોને ભાજપની કાર્બન કોપી ગણાવ્યા છે. એક સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા બહુજન સમાજ પાર્ટીના સર્વેસર્વા માયાવતી માટે પણ આ ચૂંટણી અસ્તિત્વના સંઘર્ષ જેવી જ છે. બ્રાહ્મણ, દલિત, મુસ્લિમ અને યાદોના જાતિગત સમીકરણોથી બનતા ઉત્તરપ્રદેશના પોલિટિકસમાં અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ કૂકરી ગાંડી કરી છે.
ભાજપના ઈશારે નવો ગેમપ્લાન ચાલતો હોવાની ચર્ચા વચ્ચે અખિલેશ અને માયાવતીની મુશ્કેલી તો વધી છે પરંતુ સૌ એ વાત જાણે છે કે ભાજપ સામે જાે તમામ વિપક્ષોનો સંયુકત મોરચો હોય તો પરિણામ અકલ્પનીય હોવાની શકયતા વધી જાય છે પરંતુ પ્રિયંકાની લોકપ્રિયતામાં વધારો થવાથી હવે ગત ચૂંટણીનું ગઠબંધન દોહરાવવાની શક્યતા નહિવત છે, કારણ કે આ વખતે કોંગ્રેસ ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી.
પરિણામ કેવું આવશે એ તો સમય કહેશે પરંતુ આ વખતે પ્રિયંકાએ પાક્કુ હોમવર્ક કર્યું છે.
ઉત્તરપ્રદેશને છ ક્ષેત્રોમાં વિભાજિત કરાયું છે. પૂર્વાચલ, અધવ, બુંદેલખંડ, આગરા, બરેલી અને મેરઠના પ્રભારીઓ નિમી પ્રદેશ કોંગ્રેસના માળખામાં ધરખમ ફેરફારો કરાયા છે. પ્રદેશની પ૯ હજાર ગ્રામ સભામાઓમાં સંગઠનની હાજરીને જીવંત કરાઈ છે. દરેક ગ્રામ સભામાં ર૧ સભ્યોની કમિટી બની છે.
ઉત્તરપ્રદેશમાં ગંભીર રીતે બીમાર કોંગ્રેસને છાંટવા માટે આ કોઈ જાદુઈ સંજીવની જેવો રામબાણ ઈલાજ નથી પરંતુ દેશની સૌથી જૂની પાર્ટીના નામે પ્રિયંકા તેમા પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન જરૂર કરી રહી છે.
ઉત્તરપ્રદેશમાં દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સૂચેતા ક્રિપલાણી (ઓકટોબર-૧૯૬૩) કોંગ્રેસના હતા. હવે અહી મહિલા કાર્ડના નામે પ્રિયંકા ગાંધી શંખનાદ ફૂંકી રહ્યા છે. કોંગ્રેસ માટે ઉત્તરપ્રદેશમાં વકરો એટલો નફો છે. માત્ર ૭ બેઠકો ધરાવતો પક્ષ હવે વધુ શું ગુમાવવાનો ? એટલે જ કોંગ્રેસ આ વખતે ખૂલીને નવા પાસા સાથે નવા પ્રયોગો કરી રહી છે.
પ્રિયંકાનો પંથ મુશ્કેલ છે પરંતુ કોંગ્રેસ પાસે જે ગણો તે આ જ વિકલ્પ છે. ઈસ પાર યા ઉસ પાર !