મહારાષ્ટ્રમાં ડુંગળીના ૧૦ વેપારીને ત્યાંથી ૨૪ કરોડ જપ્ત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/Onion.jpg)
પ્રતિકાત્મક
નાસિક, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પિપળગાવના ૧૦ ડુંગળી વેપારીઓને ત્યાં ઈન્ક્મ ટેક્સની રેડમાં ૨૪ કરોડ રૂપિયા રોકડાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.
સુત્રોએ જણાવ્યું કે, ગુરુવારે આ રેડ પાડવામાં આવી હતી, અને હાલના સમયમાં રાજ્યમાં ઈનકમ ટેક્સ દ્વારા ઝડપી પાડવામાં આવેલી સૌથી મોટી રકમ છે. આ ઉપરાંત અધિકારીઓએ ૧૦૦ કરોડ રૂપિયાની બિનહિસાબી આવક મળી આવી હોવાનો પણ દાવો કર્યો છે, જેમાંથી વેપારીઓએ ૫૦ કરોડ રૂપિયા છૂપાવ્યા હોવાનું પણ સ્વીકારી લીધું છે. એટલે કે, હવે આ રકમ ઉપર વેપારીઓને ઈનકમ ટેક્સ ભરવો પડશે, જ્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાગપુરની ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપાલ ડિરેક્ટર (ઈન્વેસ્ટિંગેશન)ની ઓફિસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઈનકમ ટેક્સ વિભાગની રેડને કારણે ડુંગળીઓનાં ભાવમાં ઘટાડો આવ્યો હતો. ગુરુવારે ઈનકમ ટેક્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, અને ત્યારબાદથી જ ડુંગળીના ભાવમાં ૧૦ રૂપિાનો ઘટાડો નોંધાયો છે, અને હાલ ડુંગળી ૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ઈનકમ ટેક્સની વિભાગની કાર્યવાહીથી ફફડી ઉઠેલાં ડુંગળી વેપારીઓએ સંગ્રહ કરી રાખેલી ડુંગળીઓ વેચવા લાગતાં કિંમતોમાં આ ઘટાડો આવ્યો હતો.
તો બીજી બાજુ વેપારીઓનું કહેવું છે કે, માર્કેટમાં ડુંગળીની નવી આવક થવાને કારણે કિંમતોમાં ઘટાડો આવ્યો છે. ઈનકમ ટેક્સની આ કાર્યવાહીથી ડુંગળી વેપારીઓની ગેરકાયદે પ્રેક્ટિસનો ખુલાસો થયો છે, જેમાં ખેડૂતને ડુંગળીના ઓછા ભાવ મળતા હતા, જ્યારે એ જ ડુંગળી માટે ગ્રાહકને ઊંચી કિંમતો ચૂકવવી પડતી હતી.
ડુંગળી જેવી એગ્રિકલ્ચર કોમોડિટીસની ખરીદી કેશમાં કરવામાં આવે છે. અને આ વાતનો લાભ લેતાં વેપારીઓ દ્વારા પોતાના ચોપડે ઊંચી કિંમતો પર ડુંગળી ખરીદી હોવાની નોંધ કરતાં હતા. તેઓ ખેડૂતોના નામ પર ઊંચુ પેમેન્ટ દર્શાવતા હતા, જેથી તેઓને ટેક્સમાંથી છૂટ મળી જતી હતી. કેમ કે, ખેતીની આવક પર ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. પણ ખરેખરમાં ખેડૂતના હાથમાં તો ખુબ જ નાની જ રકમ આવતી હતી. પણ પોતાના ચોપડાઓમાં ઊંચી રકમ આપી હોવાનું જણાવી વેપારીઓ ટેક્સમાં ગોટાળો કરતાં હતા.
એક ઉદાહરણથી સમજીએ તો, એક ખેડૂત પાસે ૧૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી ડુંગળી ખરીદવામાં આવે છે. પણ વેપારી પોતાની ચોપડીમાં ૩૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ લખે છે. એટલે કે જાે, વેપારી ૩૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આગળ ડુંગળી વેચે છે, તો તે ૫ રૂપિયા પ્રતિ કિલો નફો દેખાડે છે. પણ ખરેખર નફો ૨૫ રૂપિયાનો થાય છે.
આમ આ રીતે વેપારીઓ દ્વારા ટેક્સ બચાવવામાં આવતો હતો. આ ઉપરાંત ઈનકમ ટેક્સના અધિકારીઓ દ્વારા એ વાત પણ જાણવા મળી કે, છેલ્લા એક વર્ષથી પણ વધારે સમય સુધી વેપારીઓ દ્વારા આ પ્રકારે ટેક્સ ચોરી કરવામાં આવતી હતી, અને આ રકમ દ્વારા વેપારીઓએ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હતું.SSS