મહિલા ડ્રગ્સ પેડલરના આતંકથી સગીરાએ ફિનાઈલ પીધું
રાજકોટ, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં એક ૧૭ વર્ષીય સગીરાએ ફિનાઇલ પી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે સગીરાને ગંભીર અસર પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીતમાં સગીરાએ તેમજ તેના પિતાએ ડ્રગ્સ પેડલર મહિલાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી લીધું હોવાનું જણાવ્યું છે. તો સાથે જ મહિલા અને તેનો બોયફ્રેન્ડ સગીરાને ડ્રગ્સ વેચવા દબાણ કરતો હોવાનું પણ સગીરાએ તેમજ તેના પિતાએ જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભગત સિંહ ગાર્ડન વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા વહેલી સવારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને ગંભીર અસર પહોંચી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલ ખાતે સવારે પાંચ વાગ્યે સગીરાને ખસેડવામાં આવતા ઘટનાની જાણ હોસ્પિટલ ચોકી દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી. ઘટના અંગે મીડિયા સાથેની વાતચીતમાં સગીરાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ ઘંટેશ્વર પાસે રહેતા હતા જ્યાં હું બ્યુટીપાર્લરમાં બેસતી હતી.
આ સમયે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા માટે એક મહિલા આવી હતી તેણે પોતાના પર્સમાંથી મને વસ્તુ કાઢવા માટેનું કહ્યું હતું. જ્યારે મેં તે મહિલાના પર્સમાંથી એક પડીકી કાઢી ત્યારે તેણે તે પડી સાથે મારો ફોટો પાડી લીધો હતો. ત્યારબાદ મને કહ્યું હતું કે હું જે પડીકી આપુ તે તારે તારા પાર્લરમાં મારા કહેવાથી જે લોકો આવે તેને આપી દેવાના રહેશે.
જાે તું આવું નહીં કરે તો મેં તારો ફોટો પાડી લીધો છે તે પડીકામાં ડ્રગ્સ છે અને તું ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવું હું પોલીસને કહી દઈશ. આમ ધમકી આપીને મને નશાના કારોબાર માં સંડોવણી હતી. ડ્રગ્સ મહિલા અવારનવાર જે પડીકા આપી જતી હતી તે અજાણ્યા લોકો આવીને લઈ જતા હતા.
સગીરાએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા બે મહિનાથી ભગત સિંહ ગાર્ડન પાસે રહેવા આવી ગયા છીએ. ત્યારે ગત રાત્રે મારા માતા-પિતા બહાર હતા અને ઘરે હું અને મારા દાદી હાજર હતા. આ સમયે રાત્રિના ૧૧ વાગ્યે એક છોકરો અમારા ઘરમાં ઘૂસી આવ્યો હતો તે ડ્રગ્સ પેડલર મહિલાનો પાર્ટનર છે. તેણે મને પાર્સલ પાછળના ભાગે પહોંચાડી દેવા કહેતા મેં તેને ના પાડી હતી જે બાબતે તેમને ધમકી આપતો હતો તે દરમિયાન દાદીમાં જાગી જતાં તે ગભરાઈને ભાગી ગયો હતો.SSS