14 વર્ષ પહેલા કરેલી પિતાની હત્યાનો બદલો લેવા યુવાનને ધારિયાથી મોતને ઘાટ ઉતાર્યો

પ્રતિકાત્મક
ર૦૦૭માં કરેલી આરોપીના પિતાની હત્યાનો બદલો લેવાયો હોવાનું વરતેજ પોલીસની તપાસમાં ખૂલ્યું
ભાવનગર, ભાવનગરના શામપરા ગામના બે શખસે પિતાની હત્યાનો બદલો લેવા સાવરકુંડલાના યુવાનને શામપરાના નવાગામ પાસે બોલાવી, ધારિયાથી કરપીણ હત્યા કરી હતી વરતેજ પોલીસે ગણતરીની મિનિટોમાં જ હત્યાને અંજામ આપનાર બે શખસને પકડી પાડી ગુનો નોંધી તપાસ હાથ ધરીછે.
ભાવનગર નજીક નવાગામ પાસેથી એક યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવતા વરતેજ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન મૃતકની લાશ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સલીમ પોપટભાઈ સાંઈની હોવાનું બહાર આવ્યંુ હતું. વરતેજ પોલીસે તપાસના અંતે ભાવનગરના શામપરા ગામના મેહુલ મંગા ચાવડા અને મંગા જાેધા ભરવાડને આ હત્યાના બનાવ સબબ ઝડપી લઈ સઘન પુછપરછ હાથ ધરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મૃતક સલીમ સાંઈએ એ ર૦૦૭ના વર્ષમાં આરોપી મંગા ભરવાડના પિતાની તારાપુર ચોકડી પાસે હત્યા કરી હતી તેનો બદલો લેવા મંગા અને મેહુલે સલીમ સાંઈને ભાવનગરના નવાગામ પાસે બોલાવ્યા હતા અને પોતાની પિતાની હત્યાની કબૂલાત કરાવી હતી.
દરમિયાન આ બંને શખસે ધારિયા અને લાકડી વતી હુમલો કરી સલીમનું ગળું કાપીને કરપીણ હત્યા કરી હતી પીએસઆઈ એસ એન જાડેજાએ બંને સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.