દિલ્હીના ઘરમાં આગ લાગતા ચાર લોકોનાં મોત

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં આવેલા એક ઘરમાં ભયાનક આગ લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે. હાલ આગ લાગવાના કારણો બહાર આવ્યા નથી. જાણકારી મુજબ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલિસે જણાવ્યું કે ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં વહેલી સવારે ત્રણ માળની બિલ્ડીંગના ઉપરના ફ્લોર પર આગ ફાટી નીકળી હતી. પોલિસે જણાવ્યું કે તેમને આજે સવારે ૪ વાગ્યે ને ૩ મિનિટે ઓલ્ડ સીમાપુરીમાં એક ઘરમાં આગ લાગવાની સૂચના મળી હતી.
સૂચના મળતા જ પોલિસ ટીમ અને દિલ્હી ફાયર સર્વિસના કર્મચારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. મહા મહેનતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળનું નિરીક્ષણ ડીએફએસ, ક્રાઈમ ટીમ, એફએસએલ ટીમ તેમજ સિનિયર અધિકારીઓએ કર્યું.
ઘરના ત્રીજા મળે એક રૂમમાં કુલ ચાર વ્યક્તિ મૃત મળી આવ્યા છે. મૃતકોમાં હોરિલાલ નામની એક વ્યક્તિ પણ સામેલ છે. મૃતક હોરિલાલ શાસ્ત્રી ભવનમાં ચપરાસી તરીકે કાર્યરત હતા. તેઓ આવતા વર્ષે ૨૦૨૨માં સેવાનિવૃત થવાના હતા. મૃતકોની લિસ્ટમાં હોરિલાલના પત્ની રીના પણ સામેલ છે. જે એમસીડીમાં કાર્યરત હતા.
તો મામલાની ગંભીરતા જાેતાં દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ અને આ મામલે કોઈ સંદિગ્ધ ગતિવિધિઓને ધ્યાનમાં રાખતાં ક્રાઈમ બ્રાન્ચની ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. દિલ્હી પોલિસના જણાવ્યા મુજબ, વિવેક વિહાર વિસ્તારના એસીપી અને ડીસીપી પણ ઘટનાનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.SSS