અપહરણ બાદ મળેલી ૧૦ લાખની ખંડણીથી કાર ખરીદી

ગાંધીનગર, ગાંધીનગરમાં વેપારીને બિઝનેસ મીટિંગના બહાને બોલાવ્યા બાદ અપહરણ કરીને ખંડણી પડાવનારા ત્રણ આરોપીમાંથી બેને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. હવે આ કેસમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ખંડણી લીધા બાદ આરોપીઓ કારના શો-રૂમ પહોંચ્યા હતા.
સેક્ટર-૨૧માં રહેતા લિગ્નાઈટના વેપારીને બિઝનેસ મીટિંગ માટે બોલાવ્યા બાદ તેમનું અપહણ કરીને પરિવાર પાસે ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.
આ પછી આરોપીઓએ કારના શો-રૂમ પર જઈને ૧.૩૦ લાખનું ડાઉન પેમેન્ટ ભરીને નવી કાર ખરીદી લીધી હતી. અરવિંદભાઈ ગીરધરલાલ ઠક્કરની સાથે ઓળખાણ ધરાવતા વિષ્ણુ બાબુભાઈ પ્રજાપતિએ લિગ્નાઈટનો ધંધો કરનારા બહાને અરવિંદભાઈને બોલાવીને ગુપ્તી બતાવીને અપહરણ કરી લીધું હતું.
અન્ય લોકો પણ આ ગેંગ સાથે હોવાનું જાણીને અરવિંદભાઈએ તેમનો સામનો કરવાનું ટાળ્યું હતું. આ પછી અપહરણ કરનારાઓને ખંડણીની ૧૦ લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. ૧૦ લાખ રૂપિયા મળી ગયા બાદ અપહરણકર્તાઓએ અરવિંદભાઈને મૂક્ત કરી દીધા હતા અને બીજા ૧૦ લાખની વ્યવસ્થા કરવા માટેની ધમકી પણ આપી હતી.
પોલીસે આ કેસમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આરોપીઓ ખંડણી મળી ગયા બાદ રૂપિયા લઈને કારના શો-રૂમ પહોંચી ગયા હતા. આ કેસમાં વિષ્ણુ પ્રજાપતિની તપાસ ચાલુ છે અને આંગડિયા પેઢી સહિતની મહત્વની જગ્યાઓના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ કેસમાં પોલીસે મહેશ જસવાણી અને અપહરણમાં સાથ આપનારા સુરેશ પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે.
જ્યારે વિષ્ણુ પ્રજાપતિની શોધખોળ ચાલુ છે. ખંડણીના ૧૦ લાખ રૂપિયામાંથી ૪ લાખ જેટલા ખાનગી બેંકના ખાતામાં નાખવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૬ લાખ રૂપિયા મુખ્ય સૂત્રધાર વિષ્ણુ પ્રજાપતિ પાસે હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ કેસમાં જે રીતે અપહણ અને તે પછીની તૈયારીઓ કરવામાં આવી હતી તે જાેતા ત્રણથી વધુ આરોપીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આંગડિયા પેઢી અને કારના શો-રૂમ સહિતના સીસીટીવી ફૂટેજ અને અન્ય જરુરી તપાસ કરવામાં આવી રહી છે.SSS